Our Publication (Books)



    • નળ દમયંતી

    • નળ-દમયંતીના જીવનને અને કર્મની ન્યારી-નિરાળી ગતિને આંખ સામે હૂબહૂ રીતે ઉપસાવી જતી આ સળંગ-વાર્તા અનેક પ્રકરણોમાં વિભાજિત છે. હાર્યો જુગારી કઈ રીતે બમણું બમણું રમતો હોય છે અને સતીત્વનો પ્રભાવ કેવો અપ્રતિહત હોય છે, એનો સાક્ષાત્કાર આ જીવન કથા નળ અને દમયંતી જેવા મુખ્ય બે પાત્રો દ્વારા કરાવી જાય છે.

    • પોઢેલા પથિકને

    • ગદ્ય-પદ્ય સંમિશ્રણની સચોટ અને સુંદર નિબંધાત્મક લેખોનો આ સંગ્રહ પોઢેલા પથિકને જગાડવા માટે અને એને મોક્ષ પથ પર હરણફાળે આગળ ધપવા માટે એવી પ્રેરણા પૂરી પાડે જાય છે કે, જે પ્રેરણા પામીને પોઢેલો માનવ-પથિક જાગી ઉઠે.

    • આજનો બાળ કાલનો રખેવાળ

    • પ્રત્યેક પાઠશાળામાં વસાવવા યોગ્ય અને એક વાલી તરીકે માળી જેવું કર્તવ્ય જેણે અદા કરવાનું છે, એ માત-પિતાઓએ તો અવશ્ય વાચવા યોગ્ય આ પુસ્તકમાં કથા સાથે પાઠશાળા સંબંધી પ્રેરણાનો અમૃત સ્રોત વહાવવામાં આવ્યો છે. જેનું વાચન-મનન આ યુગમાં તો અત્યુપયોગી અને અત્યુપકારી બની રહે એમ છે.

    • રક્ષણહાર એક નવકાર

    • કટોકટીની કપરી પળે જેમના માટે રક્ષણહાર એક માત્ર મહામંત્ર નવકાર બનવા પામ્યો હોય, એવા નવકાર-નિષ્ઠ આરાધકોના સત્યઘટનાત્મક જીવન-પ્રસંગો પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થયા છે. જેનું વાચન વાચકની નવકાર-નિષ્ઠાને જરૂર મજબૂત બનાવી જશે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય. પ્રાચીન-પ્રસંગોમાં તો અનેરી નવકાર-નિષ્ઠાનો રણકાર સાંભળવા મળે જ છે, પરંતુ આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલી ઘટનાઓ અર્વાચીન હોવા છતાંય આમાં જે નવકાર નિષ્ઠા જોવા મળે છે, એ પણ ખૂબ ખૂબ પ્રેરક બની જાય એવી છે. ચમત્કારને નમસ્કાર કરવાની તાસીર ધરાવતી દુનિયા સમક્ષ નમસ્કારને જ એક ચમત્કાર તરીકે ચિત્રિત કરતા આ પુસ્તકનું ચિંતન તો ખાસ પઠનીય છે.

    • સંસ્કૃતિનો સિંહનાદ

    • પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવરની પ્રેરણાથી થોડા વર્ષો પૂર્વે પ્રકાશિત માસિક ‘પ્રતિક્રાંતિ’માંથી સંકલિત-સંસ્કારિત થયેલું, યુવાહૈયાને હચમચાવી મૂકતુ સાહિત્ય આ પુસ્તકમાં પ્રકાશિત થયું છે. આ સિંહનાદ યુવાપેઢીએ તો ખાસ ખાસ સાંભળવા જેવો છે. પોતાની જાતને ઘેટા-બકરા જેવી સમજતી આજની પેઢી સંસ્કૃતિનો આ સિંહનાદ સાંભળે, તો જરૂર એને જાતની ભવ્ય ભાતનું ભાન થઈ જાય અને પછી એય સિંહનાદ કરવા મંડી પડે.

    • બલિદાન બોલે છે

    • બલિદાન ક્યારેય બોલ્યા વિના નથી રહેતું કે એ ક્યારેય એળે જતું નથી, આ ભાવને અભિવ્યક્ત કરતી 8 બલિદાન-કથાઓ આમાં શબ્દ શિલ્પ પામી છે. સંસ્કૃતિની સુરક્ષા કાજે બલિ બની જવાની કર્તવ્ય કટિબદ્ધતાને મુખરિત કરતી આ કથાઓ ખરેખર વાચવા જેવી છે.

    • કર્તવ્ય કાજે કુરબાની

    • કર્તવ્ય કાજે કુરબાન થઈ જનારા વીરનરોના 9 જીવન-પ્રસંગો આમાં શૌર્યભર્યા શબ્દોમાં એ રીતે રજૂ થયા છે કે, વાચકના હૈયે પણ વીરત્વ પડઘાવા માંડે. એક એકથી અધિકા પ્રસંગોની રજૂઆતથી આ પુસ્તક રસિક અને રોમાંચક બનવા પામ્યું છે.

    • જ્યોત જલાવીએ જૈનત્વની

    • જીવનમાં જ્યોત જલાવીને પછી એને જ્વલંત રાખવા કાજે શું શું કરવું જોઈએ, આ વિષયમાં આંગળી ચીંધતા અનેક વિધ પ્રેરક લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં થવા પામ્યો છે. દેવ-ગુરુ ધર્મનો ઉપકાર વર્ણવતા લેખો તો ખૂબ જ સચોટ છે. તદુપરાંત જીવનમાં જ્યણા અને જીવદયાને અગ્રિમતા આપીને રાત્રિભોજન જેવા વ્યાપક પાપોથી બચવાની વાતો આમાં અત્યંત માર્મિક અને તાર્કિક રીતે રજૂ કરવામાં આવી છે. આજના કાળમાં કુસંસ્કાર ફેલાવતી મા-સિનેમા સામે પણ સર્ચલાઈટ ફેંકવાનું કર્તવ્ય અદા કરી જાય છે.

    • મહિમા

    • 'મિચ્છા મિ દુક્કડંનોઃ- મિચ્છા મિ દુક્કડં' આ કેટલું બધું પ્રભાવશાળી સૂત્ર છે, આનો મહિમા કેટલો બધો અદ્ભૂત છે, તથા આના પ્રભાવે લખાયેલો-સરજાયેલો ઈતિહાસ કેટલો બધો રોમાંચક છે, એ આ પુસ્તકમાં વર્ણવાયું છે. ‘દિલ સાફ તો સબ માફ’ આ વિષય પર વેધક પ્રકાશ પાથરતું આ પુસ્તક સાચો 'મિચ્છા મિ દુક્કડં' માંગવા અથવા તો માંગેલા ‘મિચ્છામિ મિ દુક્કડં’ને સાચો બનાવવા અવશ્ય વાચવા-વિચારવા જેવું છે.

    • અમર યાત્રિકો

    • જૈન ઈતિહાસમાંથી ચૂંટી કાઢેલા 5 કથા પ્રસંગો આ પુસ્તકમાં રજૂ થયા છે. જેના નાયકોને અમર-પથના યાત્રિકો તરીકે બિરદાવી શકાય, એવી આ કથાઓ ખૂબ ખૂબ રસિક, રોમાંચક અને બોધક છે. આ વાર્તાઓ બોધની જે ધારા વહાવી જાય છે. એ જીવનને પ્રક્ષાળવા અને પ્રકાશિત કરવા સુસમર્થ અને સક્ષમ છે. અજાણ્યો ઈતિહાસ આ વાર્તાઓ દ્વારા આંખ સામે પ્રત્યક્ષ બને છે.

    • ઈતિહાસની સુવાસ

    • નાડોલ, વડાલી, ગંધારતીર્થ અને પાટણ જેવી ઐતિહાસિક તીર્થભૂર્મિઓની અનેકવિધ માહિતીઓથી સભર નિબંધોની ફૂલમાળા ‘ઈતિહાસની સુવાસ’માં મધમધ રહી છે. ઈતિહાસનું દર્શન એવી પ્રેરક કલમે કરાવવામાં આવ્યું છે કે, આ યુગનેય ઇતિહાસ-સર્જક બનવાની પ્રેરણા મળે. નાડોલ અને ગંધારનો ઈતિહાસ તો ખૂબ જ માહિતી સભર બનવા પામ્યો છે.

    • પ્રસંગના રંગતરંગ

    • મુખ્યત્વે ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં પ્રકાશિત પૂજ્યશ્રી દ્વારા લિખિત પ્રસંગો એવા સચોટ અને બોધપ્રદ છે કે, પ્રસંગોની સાથે સાથે એની સચોટતા હૈયામાં ગુંજ્યા જ કરે. જે પ્રસંગોમાંથી અનેક પ્રકારની પ્રેરણા મળતી હોય અને જેનો બોધ ભૂલ્યો ભૂલી શકાય એવો ન હોય, એવા પ્રસંગોના રંગ અને તરંગ માણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.

    • હંસા ! ચરો મોતીનો ચારો

    • મોતીનો ચારો ચરે, એ હંસ ગણાય અને જે હંસ હોય એ મોતીનો ચારો જ ચરે. આ સંદર્ભમાં જે માણસ હંસ જેવો હોય, એને મોતી જેવા સુવિચારો જ વાચવા ગમે. આવા સુવિચારો જેને વાચવા-વિચારવા ગમે એ હૈયેથી હંસ જેવો વિવેકી બની ગયા વિના ન રહે. આવા સુવિચારોનો સંગ્રહ આ પુસ્તકમાં શબ્દસ્થ બન્યો છે. વિવિધ વિશાળ વાચન કરતા કરતા પૂજ્યશ્રીને પ્રેરક-બોધક જે કંઈ જડ્યું, એવા સાહિત્યનું આ સંકલન-સંસ્કરણ ખરેખર માનવ જો હંસલો બની જાણે, ખરેખર માનવ જો હંસલો બની જાણે, તો એના માટે મોતીનો ચારો બની રહે, એવું અદ્ભૂત-અજોડ છે. બ્લેક બોર્ડ પર આ વિચાર રત્નો જીવનની મોંઘી મૂડી બની ગયા વિના ન રહે, એટલી બધી મૂલ્યવત્તા આ સુવિચાર સંગ્રહ ધરાવે છે. વાંચીને પસ્તીમાં ખતવી દેવા જેવું અઢળક સાહિત્ય આજે બહાર પડી રહ્યું છે, તેમજ સુંદર સાજ-સજ્જા અને લેખન લાલિત્યને કારણે જ ઘરેઘરમાં ઘુસણખોરી કરતું હોય છે, આવા સંયોગોમાં વાંચીને વિચાર કરતું કરી મૂકે અને કાળજે કોતરાઈ જવા પામે એ જાતના આવા સાહિત્યનું સહર્ષ સ્વાગત થવું જ જોઈએ.

    • સ્વાતિનાં મોતી

    • દરેક નક્ષત્ર સ્વાતિ નથી હોતા, દરેક જળબિંદુ મોતી નથી બની શકતા. સ્વાતિ-નક્ષત્ર હોય, છીપનું સંપુટ ખુલ્લું હોય ત્યારે જળબિંદુ અને છીપનો સંયોગ સધાય, તો મોતીનો જન્મ થાય. સ્વાતિ અને છીપ બનીને વાચકો જો આ સુવિચાર-સરવાણીને ઝીલી લે, તો વાચકનું હૈયું મોતીના મહેરામણથી છલકાઈ ઉઠ્યા વિના ન રહે.

    • આંખો ખોલી આગમે

    • આપણાં આગમો તો એવી અમોઘ-શક્તિ ધરાવે છે કે, એને જો પાત્રતા મુજબ બરાબર વાચતા-સાંભળતા આવડે, તો અંતરની બંધ આંખ ખુલી ગયા વિના ન રહે. આ સત્યની પૂરી પ્રતીતિ કરાવતી 7 જૈન કથાઓ આ પુસ્તકમાં શબ્દસ્થ બનવા પામી છે. જૈન કથાગ્રંથોમાંથી ચૂંટેલી આ વાર્તાનો આગમનો પ્રભાવ, વૈશાલીનો વિનાશ, વેરના વિપાકની વિચિત્રતા આદિ વિષયો પર વેધક પ્રકાશ પાથરી જાય છે.

    • પ્રભાવઃપર્યુષણનો

    • પર્યુષણના પ્રભાવનું મુક્ત કંઠે ગીત-ગાન લલકારતા લેખોનો સંગ્રહ એટલે જ પ્રસ્તુત પુસ્તક! પ્રતિદિનનો પર્યુષણ-પરિચય, પર્વનો પ્રભાવ ! કલ્પસૂત્ર-પરિચયઃ આદિ પર્યુષણ સંબંધિત નિબંધાત્મક અનેક લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થવા પામ્યા છે. પર્યુષણને સાચી-સારી રીતે આરાધવા ઈચ્છનાર આરાધક માટે આ પુસ્તક ઠીકઠીક માર્ગદર્શક બની રહે એવું છે. અને એમાંય ‘પર્વાધિરાજ’ ! પુનિત યાદ આવે છે આપની ! માં નિહાળવા મળતું શબ્દ લાલિત્ય તો દિલ-દિમાગને અપીલ કરી જાય તેવું અદ્ભૂત છે.

    • અંતરની અમીરી

    • અંતરની અમીરી ધરાવતી વિભૂતિઓ કેવી હોય અને જૈન ઈતિહાસમાં આ જાતની કેવી કેવી વિભૂતિઓ થઈ ગઈ, આની પ્રતીતિ કરાવતા 3 કથા-પ્રસંગો આ પુસ્તકમાં વીરતાભરી શબ્દશૈલીમાં વર્ણવાયા છે. જેનું વાચન-મનન ગરીબના અંતરનેય અમીરીથી ભર્યું ભર્યું બનાવી દેવા સક્ષમ છે. આ કથા-પ્રસંગો અનેક રીતે આગવા સાબિત થાય એવા છે. નવકાર કઈ રીતે ભવનો પાર પમાડે છે, આ દર્શાવતી પ્રાચીન એક કથા આમાં નવી શૈલીમાં પ્રથમવાર જ પ્રકાશિત થવા પામી છે.

    • કલ્યાણના કિનારે

    • 'કલ્યાણના કિનારે' માં પૂજ્ય શ્રી દ્વારા લખાયેલા અને કલ્યાણ માસિક દ્વારા વ્યાપક પ્રસિદ્ધિને પામેલા અગ્રલેખોમાંથી 37 જેટલા અગ્રલેખો ખૂબ જ સુંદર રીતે આ પુસ્તકમાં મુદ્રિત થયા છે. એક એક સંસ્કૃત-સુભાષિત પર રજૂ થયેલું આ ચિંતન-મનન ખરેખર વાચકને ‘કલ્યાણના કિનારા’ ને દર્શાવવા સમર્થ બની શકે એવું છે. નાનકડા શ્લોકમાંથી અણ-કલ્પ્યો અને અણચિંતવ્યો રહસ્યાર્થ તારવવાની કળાનું દર્શન પામવા ઉપરાંત સંસારના સાગરમાં અનાદિની અવળી ચાલ રૂપે ચાલતી રઝળપાટ અને રખડપટ્ટીમાં પરિવર્તન આણીને કલ્યાણના કિનારે પહોંચવા ઉપકારી બને, એવી નૈયાઓની પ્રાપ્તિ માટે પણ આ પ્રકાશન અચૂક વાચવા જેવું છે.

    • રોજનીશીની રોશની

    • આ પુસ્તકમાં વિવિધ મુદ્દાઓ પર રોજનીશી રૂપે લખાયેલું દૈનિક ચિંતન 64 સુધીના પૃષ્ઠ-વિસ્તારમાં પ્રકાશ પાથરી રહ્યું છે, આ પછીના પૃષ્ઠોમાં ‘રોશની’ તરીકે અજવાળતું ચિંતન શબ્દસ્થ બન્યું છે. ચિંતન વાચકોને કોઈ નવી જ દિશાને નવા દેશ ભણી મનનના માર્ગે દોરી જવા સમર્થ છે. રોજનીશી રૂપે આવું ચિંતન-મનન ખૂબ જ ઓછા પ્રમાણમાં લખાતું હોય છે અને એનું પ્રકાશન તો ખૂબ જ ઓછી માત્રામાં થવા પામે છે, એથી આ વાચન-થાળને વાચકો હોંશે હોંશે વધાવી લેશે. એ નિઃશક છે. દીવાના અજવાળે જ નહિ, અક્ષરના અજવાળે પણ રોશની પ્રકાશતી હોય છે અને અક્ષરના અજવાળાની એ રોશની વધુ ઉપકારક અને ચિરસ્થાયી બની જવાની સમર્થતા ધરાવતી હોય છે. તા. 15-8-81 થી તા. 25-5-82ના અમદાવાદથી શંખેશ્વર સુધીના સ્થળ-કાળમાં અંકિત થયેલા અક્ષરોના અજવાળા ખરેખર આવકારવા જેવા છે.

    • ખજાનોઃ ખુમારી ને ખમીરીનો

    • મુખ્યત્વે જૈન સાહિત્યમાંથી ચૂંટેલી 8 વાર્તાઓ એવી શૌર્ય ભરી કલમે આ પુસ્તકમાં આલેખાઈ છે કે, જેનું વાચન કરતાં કરતાં મનમાં મર્દાનગી ઉછળા માંડે. જીવનને નવો જ દિશાબોધ આપવાની સમર્થતાથી સભર આ વાર્તા-સૃષ્ટિમાં અચૂક વિહરવા જેવું છે. શેઠ માણેકચંદમાંથી માણિભદ્ર યક્ષરાજ બન્યાની ઘટના રોમાંચક છે. સાધ્વીજી ભાગ્યવતીની પ્રશ્ચાતાપ કથા, શિકાર શોખીન ત્રિવિક્રમ રાજ્વીનો મન પલટો, પ્રતિજ્ઞાનો પ્રભાવ દર્શાવતી ધર્મઘોષ સૂરિજીની ઘટના, જાતિસ્મરણના પ્રભાવે સંસ્કારનું જાગરણ થતાં સર્જાયેલો ચમત્કાર વગેરે જૈન ઈતિહાસની વાર્તાઓ સંસ્કારનું જાગરણ થતાં સર્જાયેલો ચમત્કાર વગેરે જૈન ઈતિહાસની વાર્તાઓ ખૂબ ખૂબ પ્રેરક છે.

    • મોતીની માળા

    • વિવિધ વાંચનવાળી તારવેલ મોતી સમા સુવિચારોનું માળાત્મક સંકલન’ મોતીની માળા’ માં રજૂ થયું છે, જે ખરેખર, મોતીની માળા જેવું જ મૂલ્યવાન છે. ‘બ્લેક બોર્ડ’ ઉપર ચાંદીની જેમ ચમકી અને ચળકી ઉઠ્વાની ક્ષમતા ધરાવતા આ નાના-મોટા સુવિચારો વાચકને ચિંતનને કોઈ નવી જ દિશા અને નવા જ દેશ ભણી દોરી જાય એવા છે.

    • શ્રી મહાવીર પ્રભુના દશ મહાશ્રાવક

    • આણંદ-કામદેવ આદિ મહાશ્રાવકોના કથાત્મક જીવન રસાળ શબ્દશૈલીમાં આ પુસ્તકમાં રજૂ થવા પામ્યા છે. એક એક જીવન કથા હૈયાને હચમચાવી મૂકવા સમર્થ છે. જન્મે જૈન ન હોવા છતાં દશ શ્રેષ્ઠીઓ પ્રભુ મહાવીરની દેશનાનાં પ્રથમ શ્રવણે જ કઈ રીતે જાગી ઉઠ્યા, અને ધર્મના રંગે નખ-શિખ રંગાઈ ઉઠ્યા, એની હૃદય-સ્પર્શી આ જીવન-કથાઓ વાચતા હૈયું પુલકિત અને હર્ષિત બની ઉઠે એમ છે. પ્રભુના ઉપાસક શ્રાવકો અનેકાનેક હોવા છતાં મહાશ્રાવક તરીકે આણંદ આદિ દશ શ્રાવકોનાં જ નામ-કામ આગમોનાં પાને શા માટે સુવર્ણાક્ષરે અંક્તિ થઈ જવા પામ્યા ? આ સવાલનું સમાધાન મેળવવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.

    • સત્ત્વ અને સમર્પણ

    • સત્ત્વ અને સમર્પણ જેમની વૃત્તિ-પ્રવૃત્તિમાં ઉછળી રહ્યા હોય, એવા સંસ્કૃતિ-સમર્પિત ધર્મવીર નર બંકાઓની ગાથા-કથા જેમાં પ્રસ્તુતિ પામી છે, એવા આ પુસ્તકમાં એ જાતની અગિયાર કથાઓને શબ્દ દેહ ધર્યો છે, જેમાં અક્ષરે અક્ષરે સત્વ અને સમર્પણની ભાવનાનું ભાતીગળ દર્શન થતું હોય ! શૌર્ય સભર શબ્દો અને હૈયું બોલતું હોય, એવી ભાષાથી જાણીતા-માનીતા પરમશ્રદ્ધેય લેખકશ્રીએ ઈતિહાસના સાગરમાંથી વીણીવીણીને આમાં રજૂ કરેલા 11 પ્રસંગો વાચતા જ રોમાંચ અનુભવ્યા વિના રહી શકાય એમ નથી. મેવાડ-મારવાડ અને કચ્છી સાહિત્ય ઉપરાંત લોકકથાઓમાંથી ચૂંટેલા આ પ્રસંગોમાંથી પડઘાતી સત્વ અને સમપર્ણની પ્રેરણા ખરેખર આજના યુગ માટે તો ખૂબ ખૂબ બોધપ્રદ બની રહે એવી છે. આજે સત્વ મોંધું બન્યું છે. સમર્પણ તો મોંઘામાં મોંઘું બનતું ચાલ્યું છે, ત્યારે આ પુસ્તક સત્વ અને સમર્પણ તો મોંઘામાં મોંઘા બનતું ચાલ્યું છે, ત્યારે આ પુસ્તક સત્વ અને સમર્પણનો સ્નેહ તો જરૂર આપણામાં પેદા કરનારું બની રહેશે.

    • સુખ-દુઃખની ઘટમાળ

    • આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી તરંગવતીની સળંગ કથાની રસિક-રજૂઆતથી હાથમાં લીધા પછી પૂર્ણ કર્યા વિના મૂકવાનું મન ન થાય, એવા આ પુસ્તકમાં 5 પ્રકરણો દ્વારા ભગવાન શ્રી મહાવીર દેવના કાળમાં ઘટેલી એવી ઘટના રજૂ થઈ છે કે, જે અઘટ અને દુર્ઘટ લાગે, છતાં આંખ સામે જ ઘટી રહી હોય, એવી અનુભૂતિ વાચનની પળે થયા વિના ન રહે. સુખ અને દુઃખ તો કૂવાકાંઠે જોવા મળતી ઘટમાળ જેવા તત્વો છે. સુખ પછી દુઃખ પછી સુખ આવો ક્રમ સંસારમાં કઈ રીતે ચાલતો જ રહે છે, એની પ્રતીતિ આ જીવન-કથા કરાવી જાય છે.

    • આર્યાવર્તની અસ્મિતા

    • સંસ્કૃતિની સુરક્ષા કાજે સમરાંગણમાં યાહોમ કરીને કૂદી પડનારા મરજીવાઓના જીવન પ્રસંગો આ પુસ્તકમાં શબ્દસ્થ બન્યા છે. 12 કથાઓના આ સંગ્રહ-મારવાડ-મેવાડની મર્દાનગીનું પણ પુણ્યદર્શન કરાવી જાય છે. આ સંસ્કૃતિ-કથાઓ વાચતા ઘડીભર એમ થઈ આવે છે કે, શું ભારતની આ ભૂમિ પર આવા શૂરાતનભર્યા પ્રસંગો બનવા પામ્યા હશે ખરા ? આશ્ચર્યસભર પ્રેરણાનો આવો પડઘો જગવી જતાં આ પ્રસંગોનું વાચન આપણાં દિલ-દિમાગને પણ શૌર્યના શંખધ્વનિથી ગુંજીત કરી જવા સમર્થ નીવડે એમ છે. આર્યાવર્ત્તની અસ્મિતા તો ઓવારણા લેવા જેવી છે. આવી ભાવના આ પુસ્તક જરૂર જાગૃત કરી જશે.

    • કાવ્યોપદેશ

    • જેમાં કાવ્ય છે. ઉપદેશ છે. જેમાં કાવ્યાત્મક ઉપદેશ અને ઉપદેશાત્મક કાવ્ય છે. એવું આ પુસ્તક આમ તો સંકલનાત્મક પ્રકાશન છે. પરંતુ વિવિધ વાચનમાંથી વીણેલું કાવ્ય-ગઝલ સાહિત્ય પૂજ્યશ્રીની ટૂંકી વિવેચનાથી એવું તો સચોટ બન્યું છે કે, જેથી સચોટતા માણવા વિવેચના પૂર્વક કાવ્ય-પઠન થાય, તો આ પ્રકાશન પર ઝૂમી ઉઠ્યા વિના ન રહેવાય. આ પુસ્તકમાં કાવ્ય અને ઉપદેશ છે, કાવ્યાત્મક ઉપદેશ છે અને ઉપદેશાત્મક કાવ્યનો સુમેળ છે. એથી કવિને ઉપદેશક અને ઉપદેશકને કવિ બનાવવા આ પુસ્તક સમર્થ છે.

    • 'હું' ની હારમાળા

    • 'હું' ની હારમાળા નામક આ પુસ્તક આત્મકથનાત્મક શૈલીથી લખાયું છે. ક્ષમાદિ ધર્મો, ક્રોધાદિ કષાયો, મૈત્રી આદિ ભાવનાઓ, અહિંસા આદિ મહાવ્રતો, સ્પર્શ આદિ ઈન્દ્રિયો પોત-પોતાનો પરિચય કરાવતી હોય, એવી શૈલીમાં લખાયેલા લાલિત્ય અને સાહિત્ય સભર 28 નિબંધો આમાં શબ્દસ્થ બન્યા છે, જેવી રીતે કથા જકડી રાખે, એવી રસાળ શૈલીમાં આ નિબંધો રજૂ થયા છે, જે વાચકોને તત્વ સાથે સાહિત્ય-સૃષ્ટિની સફર કરાવી જાય છે.

    • ધર્મધ્વજના ધારકો

    • જૈન સાહિત્ય-સાગરમાંથી ચૂંટેલી નવ વાર્તાઓ આ પુસ્તકમાં રજૂ થવા પામી છે. એક એકથી અધિકી આ વાર્તાઓ ધર્મધ્વજના ધિંગા એ ધારકોમાં કેવી શૂરવીરતા અને કેવી શાસનદાઝ હતી, એની રોમાંચક પ્રતીતિ કરાવી જવા સમર્થ છે. કેટલીક અપ્રસિદ્ધ પ્રાયઃ વાર્તાઓ આમાં નવી શબ્દ-શૈલીમાં પ્રથમવાર જ પ્રસ્તુત બની રહી છે. પ્રાચીન વાર્તાઓ ઉપરાંત લાખો વણઝારો, જહાંગીર દરબાર અને ઝવેરી શાંતિદાસ, દર્ભાવતીને દિવ્યતા અપાવનારા શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ આદિના જીવનપ્રસંગો ખૂબજ રોમાંચક છે. ડભોઈના કિલ્લા સંબંધિત લોકવાર્તાઓ તો તાજજુબ કરી દે તેવી છે.

    • સંઘર્ષમાં હર્ષ

    • જૈન કથાનકોને નવી શૈલીમાં રજૂ કરતું આ પુસ્તક છે. સંઘર્ષમાં સહર્ષ રહેવાની સર્વોત્કૃષ્ટ જીવન-કળાના સ્વામી ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં જીવનને મુખ્યત્વે રજૂ કરતા આ વાર્તાસંગ્રહમાં બીજી પણ પાંચેક વાર્તાઓ રજૂ થઈ છે. અપરિચિત પ્રાયઃ આ વાર્તાઓનું વાચન વાચકોને નવા જ દેશ અને નવી જ દુનિયા ભણી દોરી જવા સક્ષમ બની શકે એમ છે. 27 ભવાત્મક ભગવાન શ્રી મહાવીર દેવનું અને પ્રભુ સાથે સંકળાયેલી વિભૂતિઓનું જીવન ટૂંકમાં છતાં સચોટ રૂપે જાણવા માટે તો આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બને એવું છે. શ્રી મહાવીર પરમાત્માના શાસ્ત્ર-દર્શિત જીવન-પરિચય ઉપરાંત પ્રભુના જીવન-પ્રસંગોથી વધુ માહિતગાર બનવા આ પુસ્તક એકવાર તો જરૂર વાચવા જેવું છે.

    • જીવદયા કાજે જંગ

    • ધન કાજે અને ઘેનુ કાજે, ધામ કાજે અને ધરતી કાજે ધિંગાણું ખેલનારાઓને તો આજેય સુકાળ છે, પરંતુ એવા ધર્મવીર-જવાંમર્દોનો આજેય દુકાળ રહ્યો છે કે, જેઓ જીવદયા કાજેના જંગમાં કેસરિયા કરવા પળનોય વિચાર ન કરે. જીવદયાના જંગમાં જાનફેસાની કરનારા અહિંસાપ્રેમી શૂરાઓની 12 સત્યઘટનાઓ આ પુસ્તકમાં રજૂ કરાઈ છે. હજી નજીકના જ ભૂતકાળમાં બનેલી આ સત્ય ઘટનાઓનું વાચન વાચકોના હૈયામાં પણ જીવદયા કાજે જંગ ખેલવાની પ્રેરણા પૂરી પાડી જાય એવું છે.

    • સૌભાગ્યનો સૂર્યઃ કયવન્ના શેઠ

    • કયવન્ના શેઠની વાર્તા સૃષ્ટિ ખરેખર વાચવા જેવી છે. ‘કયવન્ના શેઠનું સૌભાગ્ય હોજો’ ના લખાણથી ચોપડાનો પ્રારંભ કરનારાઓમાંથી કયવન્ના શેઠને બરાબર ઓળખનારા કેટલા હશે ? એ સવાલ છે. આ સવાલનો સંતોષકારક જવાબ આપવા હરકોઈએ આ વાર્તા વાંચવી જ રહી. પ્રથમ પ્રકરણથી જ વાચકોને જકડી નાંખનારી આ વાર્તા-સૃષ્ટિમાંથી કોઈ પણ ધર્મકાર્ય કરતી વખતે ઉત્સાહને વૃદ્ધિંગત બનાવતા રહેવાની પ્રેરણા-અચૂક ગ્રહણ કરવા જેવી ગણાય. ગત ભવના કયા સુકૃતે કયવન્ના શેઠને સૌભાગ્ય શિરોમણિ બનાવ્યા, તેમજ એ સૌભાગ્યને વચ્ચે વચ્ચે ખંડિત કરનારું દુષ્કૃત કયું હતું, એ જાણવા આ કથા વાચવા જેવી છે.

    • મહાસતી મૃગાવતી

    • આ પુસ્તક એવી અદ્ભૂત સળંગ-વાર્તાની સૃષ્ટિ લઈને ઉપસ્થિત થયું છે કે, નામથી એકદમ જાણીતાં જણાતાં ‘મૃગાવતી’ આ કથા વાચતા વાચતા વાચકને સાવ જ અજાણ્યાં-અજાણ્યાં જણાય, તો નવાઈ નહિ. મૃગાવતીજીનાં જીવનનો બિંદુ જેટલો જ જીવન-ખંડ આપણી સમક્ષ પ્રસિદ્ધ છે, સિંધુ જેટલો અપ્રસિદ્ધ જીવન-ખંડ પ્રસ્તુત મૃગાવતી-કથા દ્વારા આપણી આંખ સમક્ષ ખુલ્લો થતો અનુભવાય છે. મહાસતી મૃગાવતી સંબંધિત ઉપલબ્ધ અને પ્રસિદ્ધ વાર્તાઓમાં ઉદાયન-વાસવદત્તા જેવા પાત્રોનો પ્રવેશ જોવા મળતો નથી, મૃગાવતી-પુત્ર ઉદાયનના જન્મ પૂર્વેની અજબ-ગજબની ઘટનાની છાયાની ઝલક પણ એ વાર્તાઓમાં જોવા મળતી નથી. એથી એકદમ અપ્રસિદ્ધ જ ગણી શકાય, એવા મૃગાવતી-સતીના સમગ્ર વ્યક્તિત્વનું પુણ્યદર્શન પામવા આ કથા આદ્યંત વાચવી જ રહી.

    • રામને પ્રણામ

    • શાસન અને સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠા ધરાવનારા, અગણિત ભાવિકોના રોમેરોમે રમનારા વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી રામચંદ્રાચાર્ય એવું વિશિષ્ટ યશસ્વી-તેજસ્વી જીવન-કવન ધરાવતા હતા કે, એ રામનાં નામ અને કામને પ્રણામ કરવા હાથ અને હૈયું ઝૂકી ગયા વિના ન રહે. સિદ્ધાંત-નિષ્ઠા અને સત્ય-પ્રતિષ્ઠા કાજે જવાંમર્દીભર્યું જીવન જીવી જાણનારા પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું જીવન અક્ષર ઉપરાંત આકાર-ફોટા રૂપે કથા-શૈલીમાં આ પુસ્તકમાં પ્રસિદ્ધ થયું છે. હૈયાને હલબલાવી અને હચમચાવી મૂકે એવા જીવન-પ્રસંગો, કોમ્પ્યુટર કળાથી પ્રથમવાર જ તૈયાર થયેલા 16 પૃષ્ઠ પ્રમાણ ચિત્રો-ફોટાઓથી જાણે સપ્રાણ બની ઉઠ્યા હોય, એવી અનુભૂતિ વાચકોને થયા વિના નહિ જ રહે. રામને પ્રણામ કરતું અને રામના નામ-કામને ગામે-ગામ અને ધામેધામમાં ગુંજતા કરતું આવું પુસ્તક પ્રથમવાર જ પ્રસિદ્ધ કરવાનો કરવાનો યશકળશ ‘પંચપ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન’ ને શિરે આપોઆપ જ અભિષિક્ત બને તો નવાઈ નહિ.

    • મુનિને માર્ગદર્શન

    • આ પુસ્તકમાં નામ મુજબ મુનિજીવન માટે માર્ગદર્શક બની રહે એવું સાહિત્ય સંગૃહીત છે. 6 વિભાગોમાં વિસ્તૃત આ પ્રકાશનમાં પ્રારંભના બે વિભાગોમાં પૂ.આ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રવચનોનું સંકલન, પછીના બે વિભાગોમાં પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કલમે થયેલું સર્જન-લેખન અને આ પછીના બે વિભાગોમાં પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની વાચનામાંથી થયેલ અવતરણ આદિ સાહિત્ય એવી ચૂંટણી પૂર્વક પ્રસિદ્ધ થયું છે કે, જેનાં વાચન-મનનથી મુનિને મહત્વનું માર્ગદર્શન મળી રહે. જાત કાજે જેનું જીવન છે, જગત કાજે જેની સાધના છે, એવા મુનિના મસ્તકે સંયમ સ્વીકારતાની સાથે જ ભૂલ્યા-ભટક્યા જગત માટે માર્ગદર્શક બનવાની જે જવાબદારીઓ આપોઆપ જ અભિષિક્ત બની જતી હોય છે, એ અંગે દિગ્દર્શન કરાવતું ‘મુનિને માર્ગદર્શન’ નામક મુખ્ય લખાણ નાના-મોટા 10 વિભાગોથી સમૃદ્ધ બન્યું છે. આ પછીના ‘શ્રમણત્વમિંદ રમણીયતરં’ લેખમાં શ્રમણ અને શ્રમણના ઉપકરણોનો પરિચય ખૂબ જ સુંદર શૈલીમાં કરાવાયો છે. આણાએ ધમ્મો, દેહદુખ્ખં મહાફલં, સ્વાધ્યાયાન્મા પ્રમદ, સમયં ગોયમ, પ્રમાદો હિ મૃત્યુઃ, જ્ઞાનસ્ય ફલં વિરતિ, જાએ સદ્ધાએ નિકખંતો... આદિ સાધના-પ્રેરક સૂત્રોનો ચિંતન-મનનથી ભર્યોભર્યો સંદેશ સમજવા માટે મુખ્યત્વે શ્રમણો ઉપરાંત શ્રમણોપાસકો માટે પણ આ પુસ્તક ખાસ ખાસ વાચવા-વિચારવા જેવું છે.

    • ઇતિહાસ કે ઝરોખેં સે

    • પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન તરફથી પહેલુંવહેલું જ આ હિન્દી-પુસ્તક પ્રસિદ્ધ થયું છે. મુખ્યત્વે જૈન ઈતિહાસમાંથી વીણેલા 23 પ્રસંગો આમાં ગુજરાતીમાંથી શ્રી નૈનમલજી વિનયચન્દ્રજી સુરાણા(સિરોહી) ની કલમે હિન્દી ભાષામાં અનુવાદિત થઈને શબ્દસ્થ બન્યા છે. ઈતિહાસના પૃષ્ઠોમાંથી સંગૃહીત આ પ્રસંગો દિલ-દિમાગને અપીલ કરી જાય એવા છે. હિંદી ભાષી સંસાર માટે આ પ્રકાશન જ્ઞાન પરબની ગરજ સારે તેવું શ્રેષ્ઠ છે.

    • કલ્યાણનું જ્ઞાન

    • જેણે ‘કલ્યાણ’નું જ્ઞાન ગાવું હોય, કલ્યાણનું ગાન ગાતાં ગાતાં જીવન-યાત્રાને આગે બઢાવવાના જેના મનોરથ હોય, એના માટે માર્ગદર્શક બની રહેતું. આ પુસ્તક સુંદર રૂપ-રંગમાં મુદ્રિત થયું છે. સંસ્કૃત-સુભાષિતો, પછી એનો પદ્યાનુવાદ અને ત્યારબાદ ચિંતનાત્મક વિવેચનઃ આ ક્રમથી આમાં રજૂ થયેલા 28 સુભાષિતા-ચિંતનો ખરેખર પઠનીય છે. ચિંતન-મનની એક નવી જ ક્ષિતિજ પર વાચકનો પગ સ્થિર કરીને પછી એના પ્રવાસમાં વેગની પૂર્તિ કરી શકવા સમર્થ આ ચિંતન, સાહિત્યની શૈલીથી રજૂ થયું હોવાથી કથારસની જેમ વાચકને બરાબર જકડી રાખવા પણ એટલું જ સમર્થ-સક્ષમ છે.

    • 24 તીર્થંકર

    • કથા-વાર્તાની રસભરી શૈલીમાં 24 તીર્થંકરોનાં જીવન-શિલ્પને શબ્દોમાં કંડારતું આવું પુસ્તક પ્રથમવાર જ પ્રસિદ્ધ થઈ રહ્યું હોવાથી પૂજ્ય લેખકશ્રી અને પ્રકાશકને સૌ પ્રથમ ધન્યવાદ ! અતિ વિસ્તાર નહિ, તેમજ અતિ સંક્ષેપ પણ નહિ, એવી શૈલીમાં 24 તીર્થંકરોના ભવ-વિસ્તારને આમાં શબ્દાંક્તિ કરવામાં આવ્યો છે. ગુજરાતી-ભાષામાં આ રીતનું પ્રકાશન પહેલીવાર બહાર પડી રહ્યું હોય, તો નવાઈ નહિ. 250 પૃષ્ઠ જેટલી સીમામાં ચોવીસે ચોવીસ તીર્થંકરોના ભવ વિસ્તારને શબ્દાંક્તિ કરવો, એ સહેલું ન ગણાય. આમ છતાં પૂજ્ય લેખકશ્રીની કલમને વરેલી સિદ્ધહસ્તતાએ આમાં ઠીકઠીક સફળતા હાંસલ કરી છે, એમ આ પુસ્તકમાં વર્ણિત તીર્થંકરોની જીવન-કથા વાંચતા જણાઈ આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યશ્રીએ ‘ત્રિષષ્ઠિશલાકા’ મહાકાવ્યમાં જે જૈન ઈતિહાસ આલેખાયો છે, એને નજર સમક્ષ રાખીને 24 તીર્થંકરોનું જીવનાલેખન કરાયું છે. પ્રત્યેક જૈન માટે ચોવીસે ચોવીસ તીર્થંકરોનું જીવન જાણવું જરૂરી ગણાય. આ પ્રકાશનના માધ્યમે સૌ કોઈ તીર્થંકરોનું જીવન જાણવા ઉપરાંત માણવાનો લહાવો પણ લઈ શકાશે, એમ નિઃશંક કહી શકાય. આ પુસ્તકમાં દરેક તીર્થંકરના જીવનને અંતે એ એ તીર્થંકરના જીવનને લગતી 48 જેટલી માહિતી દર્શાવતું એક એક પૃષ્ટ સંકલિત કરવામાં આવ્યું હોવાથી આ પ્રકાશન વધુ માહિતી-સભર બનવા પામ્યું છે.

    • કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ

    • કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ’ના અપ્રસિદ્ધ ઈતિહાસને પ્રસિદ્ધિમાં લાવતું સળંગ કથાત્મક આ પુસ્તક છે. સમ્રાટ સાંપ્રતિ અને પરમાર્હત્ કુમારપાળ જેવા જૈનશાસનના જ્યોતિર્ધર સમા એક રાજવી એટલે જ કલિંગ ચક્રવતી મહારાજા ખારવેલ! ઈતિહાસના જુદા જુદા ખંડોમાં વેરાયેલું રાજવી ખારવેલનું જીવન આ પુસ્તકમાં એવી સુંદર શૈલીમાં શબ્દ-દેહ પામ્યું છે કે, આ જીવનકથામાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પછી ખારવેલ સુધીના સમયગાળામાં થઈ ગયેલા જિન શાસનના જ્યોતિર્ધરોનો ઈતિહાસ પણ સંકલિત થઈ જવા પામ્યો હોવાથી ખારવેલની સાથે સાથે અનેક ઐતિહાસિક વિભૂતિઓનો પણ પુણ્ય-પરિચય ‘કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ’ દ્વારા થવા પામે છે. ખંડગિરિ-શિલાલેખ તરીકે જે શિલાલેખે ખારવેલના જીવન પર કોઈ નવો જ પ્રકાશ પાથર્યો, એ શિલાલેખનું વિવરણ પરિશિષ્ટમાં આપવામાં આવ્યું હોવાથી ઈતિહાસની દ્દષ્ટિએ પણ પ્રસ્તુત પુસ્તકનું મહત્વ ખૂબ ખૂબ વધી જાય છે.

    • ઈર્ષાના ઈંધણ

    • ‘ચંદ રાજાના રાસ’ તરીકે પ્રસિદ્ધ કથા વીરસેન ને વીરમતિ તેમજ ચન્દ્રરાજા ગુણાવલિ-પ્રેમલક્ષ્મી જેવા પાત્રોની સાથે એવી રીતે રસભરી-શૈલીથી વર્ણવાઈ છે કે, ચંદ્રરાજાની પુણ્યાઈ એક તરફ પોંખવા જેવી લાગ્યા વિના ન રહે, એમ બીજી તરફ રાજવી હોવા છતાં 16-16 વર્ષો સુધી એમના રાજતેજને દાબી દઈને ઉપસી આવતું કૂકડા તરીકેનું પક્ષીત્વ શોચનીય લાગ્યા વિના ન રહે. ઈર્ષાનાં ઈંધણ જલી ઊઠે, ત્યારે જીવન કેવું સંતાપમય બની જતું હોય છે, એનું પણ કરુણચિત્ર આ કથા ઉપસાવી જાય છે. 18 પ્રકરણોમાં વિભક્ત આ સળંગ કથા શીલનો મહિમા પણ દર્શાવી જાય એવી હોવાથી એક જ બેઠકે વાચી જવાનું મન થાય એવી છે. વચ્ચે વચ્ચે કથા-પ્રસંગોને અનુરૂપ પેન્સીલ સ્કેચવાળા ચિત્રો રજૂ થયા હોવાથી આ પુસ્તક વધુ સરસ અને આકર્ષક બનવા પામ્યું છે.

    • ભગવાન શ્રી શાંતિનાથ

    • 12 ભવોનો વિસ્તાર ધરાવતું શ્રી શાંતિનાથ પ્રભુજીનું જીવન આ પુસ્તકમાં સાંગોપાંગ શબ્દ ચિત્રિત બનવા પામ્યું છે. 12 ભવોની કાળાવધિ દરમિયાન બે વાર તીર્થંકર-પિતાનું પુત્રપણું, બે વાર ચક્રવર્તીપણું, એકવાર બળદેવપણું તેમજ બે ભવમાં અવધિજ્ઞાનનું ધારકપણું પામવા પૂર્વક તીર્થંકર બનેલા શ્રી શાંતિનાથ પ્રભુની 7 પ્રકરણોમાં વિસ્તૃત આ જીવન કથા સૌ કોઈ એ વાચવા જેવી છે. વાચતા વાચતા જ વિચારમગ્ન બની જઈએ, એવી કેટલીય ઘટનાઓથી આ જીવન-કથા રસિક અને રોમાંચક પણ બનવા પામી છે.

    • ઘરઘરની કથા, ઘરઘરની વ્યથા

    • શિક્ષણ અને સિનેમાના રવાડે ચડી ગયેલા સમાજમાં બનેલી ઘટનાઓમાંથી ચૂંટેલી એવી એવી ઘટનાઓ આ પુસ્તકમાં રજૂ થઈ છે કે, જેને ઘરઘરની કથા અને ઘરઘરની વ્યથા તરીકે ઓળખાવી શકાય. આજના યુગમાં મા-બાપ તો હજી દીકરાને વ્હાલ આપી શકતા હોય છે, પણ એ જ દીકરાઓ મોટા થઈને મા-બાપને વહાલ-સ્નેહનું દાન કરવામાં ધરાર નિષ્ફળ નીવડતા હોય છે, એનું કારણ-વારણ દર્શાવતા 12 કથા-લેખો ખરેખર વાચવા જેવા છે. પથ્થર પર હીરા જેવા પહેલ પાડનારા આજના શિક્ષણે હીરા જેવા માનવ-હૈયાને પથ્થરમાં પલટાવી દીધો હોવાથી એના વિપાક રૂપે ઘર-ઘરમાં સરજાતી કથા-વ્યથાનો ચિતાર આ પુસ્તકમાં ચિત્કાર રૂપે ઠલવાયો છે.

    • કલ્યાણ પ્રતિ પ્રયાણ

    • આ પુસ્તક 27 જેટલા ચિંતન-લેખોથી સમૃદ્ધ છે. માનવે કલ્યાણ પ્રતિ પ્રયાણ કરવું હોય, તો પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને કેવી બનાવવી જોઈએ ? આ અંગેનું માર્મિક અને મહત્વનું માર્ગદર્શન આમાં સંસ્કૃત-સુભાષિતો પરના વિશિષ્ટ-વિવેચનના માધ્યમે કરાવવામાં આવ્યું છે. આ પૂર્વે આ જ શૈલીના સાત પ્રકાશનો-કલ્યાણ યાત્રા, કલ્યાણ મંત્ર, કલ્યાણનો કુંભ, કલ્યાણ કંકોત્રી, કલ્યાણની કેડી, કલ્યાણના કિનારે, કલ્યાણનું ગાન, - આ નામે પ્રકાશિત થઈ ચૂક્યા છે. આઠમાં પુસ્તક ‘કલ્યાણ પ્રતિ પ્રયાણ’ દ્વારા પૂર્વ પ્રકાશનોમાંથી મૂઠી ઉચેરો ઉમેરો થવા પામ્યો છે.

    • દિલના દરિયે ભાવનાની ભરતી

    • આ પુસ્તકમાં એવા 14 કથાપ્રસંગો રજૂઆત પામ્યા છે કે, જેની રજૂઆતની ભાત, વાત અને જાત વાચકોના હૈયે પણ ભાવનાની ભરતી ખેંચી લાવે. મુખ્યત્વે જૈન-ઈતિહાસમાંથી ચૂંટેલી આ વાર્તાઓના થોડા પ્રસંગો એવા પણ રજૂ થયા છે કે, જેમાં સંસ્કૃતિની સુવાસ મધમધતી હોય. મહાસાગરમાં તો ભરતી-ઓટનું ચક્ર નિયમિત ચાલતું જ હોય છે. પણ માનવીના મનનો મહાસાગર તો પ્રાયઃ ઓટનાં ઓછાયાથી જ ઘેરાયેલો રહેતો આવ્યો છે, એને ભાવનાવી ભરતીથી સભર અને ભરપૂર બનાવવો હોય, તો આ કથાનકો વાચવા જ રહ્યાં.

    • મહેંકતી મર્દાનગી

    • આ પુસ્તકમાં જૈન સાહિત્યમાંથી ચૂંટી કાઢેલી એવી 9 વાર્તાઓ શબ્દસ્થ બની છે કે, જેમાં મર્દાનગી મહેંકતી હોય ! જૈન સાહિત્યના ખજાનામાં એવાં એવાં રત્નો સંગૃહીત છે કે, જેના તેજ જોતા આંખો અંજાઈ જાય અને મન મંજાઈ જાય. આંખ અને અંતરને આંજવા સાથે માંજવા સમર્થ અગણિત કથાનકોમાંથી ચૂંટી-ચૂંટીને પસંદ કરેલી 9 વાર્તાઓ આપણી આંખ સામે જે અણજોયું-અજાણ્યું-અજાણ્યું-અણકલ્પલ્પ્યું એવું તત્વ ખડું કરી દે છે, એથી આપણું મન પણ મર્દાનગીથી મહેકી ઉઠ્યા વિના નથી રહેતું.

    • સંસ્કૃતિના સપૂતો

    • કોઈના મોંમાંથી કોળિયો ઝૂંટવી લઈને પોતાનું પેટ ભરવું એ વિકૃતિ ! ભૂખ શમાવવા અન્યના ભૂખ-દુઃખમાં વધારો કર્યા વિના પેટ ભરવું એ પ્રકૃત્તિ ! જ્યારે ભૂખ્યા રહીનેય અન્યને ભોજન કરાવવું એ પ્રકૃતિ ! જ્યારે ભૂખ્યા રહીનેય અન્યને ભોજન કરાવવું એ સંસ્કૃતિ ! આવી સંસ્કૃતિના સપૂતોનું દર્શન કરાવતી સત્યઘટનાઓનું પુણ્ય-દર્શન આ પુસ્તકમાં મળે છે. હાથમાં લીધા બાદ પૂર્ણ કર્યા વિના છોડવાનું મન ન થાય, એવા આ પુસ્તકમાં ભાષાની ભભક, શબ્દોનો શણગાર, સાહિત્યનું સૌંદર્ય અને વર્ણનનો વૈભવ પાનેપાને વેરાયેલો છે.

    • આબુ તીર્થોદ્વારક દંડનાયક મંત્રીશ્વર વિમલ

    • 'આબુ તીર્થોદ્વારક દંડનાયક મંત્રીશ્વર વિમલ' ની જીવન કથા ખૂબ જ સુંદર ગેટઅપપૂર્વક સિંધી મનોહરલાલ કેસરીમલજી – સિરોહી દ્વારા હિન્દી-ભાષામાં અનુવાદિત થઈને આ પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. અનુવાદ એટલો બધો રોચક અને રોમાંચક થયો છે કે, જાણ સ્વતંત્ર લખાયેલી કોઈ વાર્તા જ વંચાઈ રહી હોય, એમ વાચકને લાગે. 26 પ્રકરણોમાં વિસ્તૃત આ વાર્તામાં વિમલના જીવનની સાથે સાથે આબુ-તીર્થનો ઈતિહાસ પણ પ્રતિબિંબિત બન્યો છે. આબુના શિલ્પ-સૌન્દર્યની જેમ આ વાર્તાનું શબ્દ-શિલ્પ પણ મનોરમ બન્યું છે. પરિશિષ્ટ-1માં 500 વર્ષ બાદ છેલ્લે છેલ્લે ઉજવાયેલા અદ્ભુત પ્રતિષ્ઠા-પ્રસંગની ઝાંખી અને પરિશિષ્ટ-2માં વિમલ મંત્રીશ્વરના કુટુંબ અંગેની એક અપ્રગટ-પ્રશસ્તિ ‘નાગરી-પ્રચારિણી-પત્રિકા’માંથી સાભાર સ્વીકૃત થઈને રજૂ થઈ છે.

    • અમર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર

    • 'પૂ. ઉપાધ્યાય મહારાજ' આટલા શબ્દો કાને પડતાંની સાથે જ અનેકાનેક પૂ.ઉપાધ્યાયો જૈન શાસનમાં થઈ ગયા હોવા છતાં એક માત્ર જેમના નામ-કામ જ અંતર સમક્ષ ખડાં થતાં અહોભાવથી મસ્તક ઝૂકી ગયા વિના નથી રહેતું, એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરના જ્ઞાનમય જીવનને સળંગ કથાની શૈલીમાં આલેખતું આ પુસ્તક હિન્દી-આવૃત્તિની ગણતરી કરીએ, તો ચતુર્થાવૃત્તિ પામી રહેલું ગણાય. પૂર્વાવૃત્તિઓ કરતાં આની વિશેષતા પૂ.મુનિરાજશ્રી મુક્તિશ્રમણ વિજયજી મહારાજે ખૂબ મહેનત લઈને તૈયાર કરેલ ‘યશો જીવન-કવનઃ ટૂંકટૂંકમાં સાર’ નામક પરિશિષ્ટ છે, જે ઘણી ઘણી બાબતો પર પ્રકાશ પાથરે છે. 12 પ્રકરણોમાં ફેલાયેલો જીવન વિસ્તાર, 9 જીવન પ્રસંગો, યશોવાણી અને પરિશિષ્ટના માધ્યમે ‘વાચક યશ’ને જાણવા-માણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.

    • મુક્તિનો મારગ મીઠો

    • સિંહગર્જના અને સિંહસત્વના સ્વામી તરીકે જૈન સંઘોમાં ગાજી ચૂકેલા પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના અદ્ભુત જીવન-કવનની રજૂઆત આ પુસ્તકમાં એ રીતે થવા પામી છે કે, જાણે કોઈ કથા વાચતા હોઈએ, એવો રસ વાચકોને આદિથી અંત સુધી જકડી રાખ્યા વિના ન રહે. જેમાં સિંહ જેવી ગર્જનાના પડઘા સાંભળવા મળે, એવા 125 જેટલા પ્રવચનાંશો શરૂઆતના 118 પૃષ્ઠોમાં સંકલિત થયા છે, પછીના પૃષ્ઠો ઉપર પૂ.આ. શ્રીમદ્ મુક્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું જીવન એ રીતે રજૂ થવા પામ્યું છે કે, જેમાં પૂજ્યશ્રીના વડીલબંધુ આચાર્યભગવન્તો શ્રી મલયચન્દ્ર-રવિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું જીવન-દર્શન પણ મળી રહે. ‘છોટે રામ’ તરીકેની ખ્યાતિ તત્કાલીન સંઘમાં જેઓશ્રીને વરી હતી, એવા શ્રી મુક્તિચન્દ્રસૂરિજી મહારાજાનું જીવન-કવન એવું અદ્ભુત અનોખું હતું કે, એને વાંચતાં વાચકના હૈયા-સાગરે અનુમોદના-અહોભાવની ભરતી ચડી આવ્યા વિના ન રહે. આવી ભરતીનું ભવ્ય-દર્શન સ્વયં માણવું હોય, તો આ પુસ્તક હાથમાં લેવું જ રહ્યું.

    • મર્દાનગીની મહેફિલ

    • સાર્થક નામ ધરાવતા આ પુસ્તકમાં એવા 12 પ્રસંગોનું આલેખન થવા પામ્યું છે કે, જે પ્રસંગોમાં વર્ણિત પાત્રોના જીવનમાં વચનમાં અને વર્તનમાં મર્દાનગી મુક્ત મને મહેફીલ માણતી જોવા મળે છે. સંસ્કૃતિ અને ધર્મ જેવા તત્વોની રક્ષા કાજે યાહોમ કરીને જંગમાં ઝંપલાવી દેનારા અને વિજયની વરમાળા વરનારા કેવા કેવા ધર્મવીરો ભૂતકાળમાં થઈ ગયા, એનું પુણ્યદર્શન આ પુસ્તકમાં પાને પાને અને પ્રકરણે થવા માગે છે. સોલંકી-સામ્રાજ્યની ન્યાય-નિષ્ઠા વર્ણવતો પ્રસંગ આજના યુગની આંખ ઉઘાડી નાંખે એવો છે, તેમજ સુભાષિતાના સત્યની અગ્નિ-પરીક્ષાને વર્ણવતી લોક કથાના આધારે લખાયેલી ઘટના તો પ્રાચીન-પાંડિત્યની પ્રભાવશીલતાનું પ્રત્યક્ષ-દર્શન કરાવી જાય એવી છે. ટ્રસ્ટના આ 99માં પ્રકાશનનું હાર્દિક સ્વાગત !