Our Publication (Books)



    • મનના મોડ અજોડ

    • રાજર્ષિ સોમચન્દ્ર-વલ્કરચીરી અને પ્રસન્નચંદ્રના જીવનની રજૂઆત આમાં સળંગ કથાની શૈલીમાં 12 પ્રકરણો દ્વારા થવા પામી છે. જૈનજગતમાં પ્રસન્ન-ચન્દ્રરાજર્ષિ ઠીકઠીક જાણીતા છે. પરંતુ એઓશ્રીના જીવન સાથે અનેક રીતે સંકળાયેલા રાજર્ષિ સોમચન્દ્ર અને વલ્કલચીરીનું જીવન અનેક રીતે જાણવા જેવું છે. એમાં પણ વલ્કલચીરીનું જીવન તો અતિ અતિ અદ્ભૂત છે. જીવનના પગલે પગલે અનેકવિધ અજોડ મોડને અનુભવતાં વલ્કલચીરીને માટે કોઈને કલ્પના જ આવી શકે એમ ન હતી કે, એવા મોડને મિનારે આવીને કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ કરી જશે અને એના યોગે સોમચન્દ્ર અને પ્રસન્નચન્દ્ર પણ મનના અજોડ મોડ અનુભવતાં કેવળજ્ઞાની બની જશે તેમજ ‘ક્ષણ પૂર્વે નરક અને ક્ષણ પછી કેવળજ્ઞાન’ના અદ્ભૂત ઈતિહાસના એઓ સર્જક બની જશે. ભગવાન મહાવીરના કાળમાં થઈ ગયેલી આ રાજર્ષિ ત્રિવેણીનું જીવન જાણવા પહેલું પાનું ખોલશો, પછી કથા પૂર્ણ ન થાય, ત્યાં સુધી પુસ્તક બંધ કરવાનું મન નહિ થાય.

    • શૌર્યનો શંખનાદ

    • જેમના જીવનનાં પળે પળે અને પગલે પગલે શૌર્યનો શંખનાદ સાંભળવા મળે, એવા 13 સાંસ્કૃતિક પ્રસંગો શૌર્યભરી શૈલીમાં આમાં વર્ણવાયા છે. સાંભળી-વાંચી ન હોય, એવી આ સત્યઘટનાઓના વાંચનેથી સંસ્કૃતિરક્ષા કાજે યાહોમ કરીને ઝંપલાવી દેવાનો મનોરથ જાગ્યા વિના નહિ રહે. મેવાડના સંગ્રામસિંહ, કાશ્મીરના બુદ્ધિસિંહ, સાવરકુંડલાના ચારણ દેવાળંદ, નડિયાદના કવિબાલ, ધ્રાંગધ્રાના રણમલસિંહ, ઉદયપુરના એકમલ્લ વગેરેની જીવન ઘટનાઓ વાચકને રોમાંચિત બનાવ્યા વિના નહિ રહે.

    • મન સાથે મૈત્રી

    • આખા મલક સાથે મૈત્રી બાંધવા પાંખ પ્રસારી રહેલી માનવજાતને માત્ર પોતાના મન સાથે જ મૈત્રી બાંધવાના મનોરથ થતા નથી, આ મોટામાં મોટી કરુણતા છે. મન સાથે મૈત્રી કેળવવી હોય, તો માનવજાતે કેવી વૃત્તિ-પ્રવૃત્તિને આવકારવી જોઈએ, એનું મનનીય અને ચિંતન-મનનથી સભર 29 નિબંધો દ્વારા માર્ગદર્શન કરાવતું આ પુસ્તક નિબંધાત્મક-ચિંતનાત્મક હોવા છતાં શબ્દ-શૈલી એવી રસિક છે કે, જાણે કથારસ પીતાં હોઈએ, એવી અનુભૂતિ આના વાંચનની પળો-ક્ષણો દરમિયાન થયા વિના નહિ જ રહે, આપણે જો મન સાથે મૈત્રી કેળવી લઈએ, તો પછી આપણા માટે કોઈની તરફ શત્રુતા જીવતી-જાગતી ન રહી શકે. તેમ જ મલક સાથે મૈત્રી કદાચ ન બંધાય, તોય મન સાથેની મિત્રતાને કારણે આપણે સદૈવ પ્રસન્ન-પ્રસન્ન રહી શકીએ.

    • જવાં મદી

    • જિગરને જવાંમર્દીથી ભરી દેતા સંસ્કૃતિને સમર્પિત વીરોના 9 પ્રસંગો આમાં સત્ત્વ નીતરતી શૈલીમાં આલેખાયા છે. કાથડના આપા વિમાસણ, વાંકિયાના ગીગા ખાચર, વડિયાના રાજમાતા, જસાભગત ઈત્યાદિની જીવનઘટનાઓમાંથી જવાંમર્દી નીતરતી જોવા મળે છે. જીવનમાં વાંચી-સાંભળી ન હોય, એવી આ ઘટનાઓ વાંચતાં મનમાં એવું આશ્ચર્ય જાગ્યા વિના નહિ જ રહે કે, શું ભારતમાં આવા આવા જવાંમર્દો થઈ ગયા કે, જેમણે સંસ્કૃતિને સો સો સલામ ભરીને એ સંસ્કૃતિને અડીખમ, અણનમ રાખવામાં આ રીતે હસતાં હસતાં જીવન સમર્પી દીધું.

    • મન સાથે મુલાકાત

    • માણસને બધાની સાથે વાત કરવાના મનોરથ થાય છે અને મુલાકાત લેવાનું મન પણ થાય છે, પરંતુ આઘાત અને અફસોસની વાત તો એ ગણી શકાય કે, એને મન સાથે જ મુલાકાત લેવાનું મન થતું નથી, કેમ કે મન જ એવો મજાનો ખજાનો છે કે, જેમાં અઢળક સમૃદ્ધિ-ઋદ્ધિ-સિદ્ધિ છુપાયેલી છે. નિબંધાત્મક વીસેક લખાણો દ્વારા આમાં માનવને મન સાથે મુલાકાત લેવાની પ્રેરણા અને આ અંગેનું પથ-દર્શન કરાવવામાં આવ્યું છે, જેનાથી આપણે ઠીકઠીક અજાણ્યા છીએ, એ મનના મુલકની મહત્તા અને એની મુલાકાત લેવાની અગત્યતા સમજવા આ નિબંધો ખરેખર વાંચવા, વિચારવા અને વારંવાર વાગોળવા જેવા છે.

    • જીવનની જડીબુટ્ટી

    • ધ્રુવ તારક

    • મનન મોતી

    • બોધ બિંદુ

    • અમૃત કુંભ

    • તેજસ્વી તારલા

    • જૈન ઈતિહાસના ગગનમાં તેજસ્વી તારલા રૂપે પ્રકાશી રહેલી 9/9 વિભૂતિઓની જીવન-ઘટનાઓ આમાં પ્રકાશિત છે. પ્રાચીન-અર્વાચીન ઈતિહાસનાં પૃષ્ઠોમાંથી વીણી વીણીને રજૂ થયેલા આ પ્રસંગોમાં અવાર્ચીન પ્રસંગ પાત્રો તરીકે સુરતના પ્રેમચંદ શેઠ, અરિહંત-વંદનાવલિના ગાયક ચંદુભાઈ, સૂબાજી રવચંદ વગેરે, પ્રેરણાની પ્રતિમા તરીકે ઊપસી આવ્યા વિના નથી રહેતા, તો પ્રાચીન પ્રસંગોમાં નવકારનો મહિમા દર્શાવતા રાજવી શ્રીહર્ષ, તેમજ યુગાદિનાથના પુત્ર રાજવી કુરુના ભવભીરુ નામના પુત્રની વાર્તા ખાસ ધ્યાન ખેંચે એવી છે. જૈન ઈતિહાસના પાને કેવી કેવી વાર્તાસમૃદ્ધિ છુપાયેલી છે, એની પ્રતીતિ આ વાર્તાઓ કરાવી જાય એમ છે.

    • ભગવાન પાર્શ્વનાથ

    • બાળકોને બોધ દેતી શૈલીમાં, ફૂલ પેજનાં પંદરેક ચિત્રોથી સમૃદ્ધ અને મોટા ટાઈપમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જીવન આમાં જે રીતે લખાયું-છપાયું છે, એ જોતાં એમ કહી શકાય કે, પહેલવહેલો જ આવો પ્રયાસ થવા પામ્યો હોય, તો ના નહિ. 10/10 ભવોમાં વિસ્તૃત પાર્શ્વ-કથા આમાં બાળકો હોશે હોશે વાંચવા ઉત્સુક બને, એવી શબ્દશૈલીમાં મુદ્રિત બની છે. 55 પૃષ્ઠોમાં જીવન પૂર્ણ થયા બાદ પુરુષાદાનીય પાર્શ્વપ્રભુના જીવનની ઊડીને આંખે વળગતી થોડો ઘણી વિશેષતાઓ પણ રજૂ થઈ તેનાથી પુસ્તક ખાસ ખાસ વાંચવા લાયક બન્યું છે. કથાનો પ્રારંભ કેવી રસાળ શૈલીમાં થયો છે અને ખળખળ ધારે આગળ વધવા માંડે છે, એનો થોડો સ્વાદ માણીએ.

    • ઝિંદાઝીલી

    • ઝાલરના ઝંકાર-નાદની જેમ ઝંકૃત ઝિંદાઝિલીથી ઝળકતી 5 સાંસ્કૃતિક કથાઓ આમાં રજૂ થઈ છે. સંસ્કૃતિ અને જીવદયા કાજે જાનફેસાની કરવા સજ્જ દેહા આપા અને પાલિતાણાના દરબાર સુરસંગજી, આયુર્વેદ પર અણનમ શ્રદ્ધા રાખવા દ્વારા ઈતિહાસ સરજી જનારા ઝંડુ ભટ્ટ વગેરેના વાર્તા-પ્રસંગો રોમાંચ ખડા કરી દે એવાં હોવા ઉપરાંત આપણમાં ઝિંદાઝીલીની ભાવના-તમન્નાનું જાગરણ કરવા પણ સમર્થ છે. જેનાં પુષ્યેક પૃષ્ઠ પરથી ઝિંદાઝીલીનું ઝરણું વહી રહ્યું હોય, એવી આ વાર્તાઓ વાંચતાં વાંચતાં શૌર્યના ગીત ગુંજી ઊઠ્યા વિના નહિ જ રહે.

    • પ્રેરણાનાં પુષ્પો

    • આમાં પાને પાને પ્રેરણાનાં એવાં પુષ્પો મઘમઘી રહ્યાં છે કે, જેના દર્શને અને વાંચને આંખ અને અંતર સુવાસિત બની ઊઠ્યા વિના ન રહે. ચિંતન-મનનની સુવાસથી મઘમઘતા નાનામોટા સુવિચારોનો આ સંચય 100 જેટલા સુવિચાર-પુષ્પોની છાબ સમો છે. પુષ્પો કેટલાં બધાં સુગંધી છે, એના થોડા નમૂના જોઈએ.

    • કલ્યાણ જ્યોત

    • કલ્યાણ ધારા

    • કલ્યાણ ધ્વનિ

    • કલ્યાણ સ્ત્રોત

    • માર્ગ ચીંધતી મશાલઃ

    • માનવતાનો મહેરામણ

    • આર્યત્વના અજવાળા

    • સાંસ્કૃતિક-કથાઓના રસથાળ સમા ઉપરોકત ત્રણ પુસ્તકોમાં કુલ 22 જેટલી રસપ્રદ વાર્તાઓ પ્રકાશિત છે. જવલ્લે જ વાચવા-સાંભળવા મળ્યા હોય, એવા આ પ્રસંગોમાં ધર્મ અને સંસ્કૃતિની દાઝ તેમજ ખુમારીનો ખણખણતો ખજાનો જોવા મળે છે. માર્ગચીંધતી મશાલ જેવા સત્ય પ્રસંગોમાં માનવતાનો મહેરામણ છલકાઈ રહ્યો છે. અને આર્યત્વના અજવાળાં ઝગમગી રહ્યાં છે. શિકાર શોખીન ધરમપુરના રાજવીનો શોખ છોડાવવામાં નિમિત્ત બનેલો હીરો ભીલ, પરાઈપીડ પારખું સયાજીરાવ, વરવો વર્તમાન દર્શાવીને ભવ્ય ભૂતકાળનું દર્શન કરાવતા જૂનાગઢના નવાબ, ગીગા બારોટ અને પીઠા ખુમાણ, માનવતાના મહેરામણ સમો પાનુડી-ગામનો મેરામણ, આંસુની ત્રિવેણી રચતી દેવાળિયાના રાજવી કીર્તિસિંહની ઘટના, આર્યત્વની અસ્મિતાથી ઓપતા પીપળીયાના ચારણ; હિતકારી અને મનોહારી વાણીની દુર્લભતા દર્શાવતા આખાબોલા કવિ રંગરેલા, પરિવર્તનની છડી પોકારતી ઘડીને આવકારનારાના નારણલુહારનો અદ્ભૂત જીવન પલટો, કળા અને કૌવતની કદર કરનારા નવાગામના રાજવી વિભા જામ, મોરબીની નાટક કંપનીના કળાકાર મૂળજી અને વાઘજીની અટંકી ટેક, લાખા બાપુની વિશિષ્ટ સદાચાર પ્રિયતા ને પ્રજા-વત્સલતા દર્શાવતી ઘટનાઓ આ પુસ્તકોમાં જે રીતે વર્ણવાઈ છે, એ વર્ણન હૈયાને હચમચાવી અને હલબલાવી મૂકવા સમર્થ છે.

    • બુદ્ધિના ખેલ

    • જૈન ઈતિહાસમાંથી ચૂંટેલા 8 પ્રસંગો બાળકોને બોધ આપતી બાળ શૈલીમાં આમાં આલેખવામાં આવ્યા છે. બાળકો માટે જ વધુ બોધક બનતું સાહિત્ય આજે જવલ્લે જ પ્રગટ થતું હોય છે. એથી આ દિશામાં વધુ પ્રયત્ન થવો જરૂરી ગણાય, એવી પરિસ્થિતિમાં આ પ્રકાશન આશાસ્પદ ભાવિની આગાહી રૂપ ગણી શકાય. શાહ સોહાગર મોતીશાહ શેઠ, ધર્મમાતાનો સાચો પુત્ર આર્યરક્ષિત, મુનિ સોમદેવ, કવિ ધનપાલ, બુદ્ધિના ખેલ દર્શાવતી અભયકુમારની જીવન ઘટના ઈત્યાદિ પ્રસંગો આ પુસ્તકમાં ઉડીને આંખે વળગે એવા છે.

    • જાત સાથે વાત

    • જાત સાથે વાત કરવાની કળાની મુક્ત હાથે પ્રભાવના કરતાં આ પુસ્તકમાં કેટલાંક હિન્દી લખાણો પણ ભાવાનુવાદિત બન્યા છે. આમાં ચિંતન-મનનના ચમકારા ઠેર ઠેર જોવા મળે છે. એ ચમકારાની થોડી ઝલક પામવા જેવી છે.

    • સાધના સંદેશ

    • જે સાધના કરે અને સાધના કરનારને સહાયક બને એ સાધુ ! આવા સાધુને સાધનામાં માર્ગદર્શક બને, એવા ચિંતન-મનનથી સભર આ પુસ્તકમાં આણાએ ધમ્મો, દેહ દુઃખં મહાફલં, સ્વાધ્યાયાન્મા પ્રમદ આદિ આદિ વિષયો પર થયેલ વિવેચનના માધ્યમે માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. મુનિને મુનિ-માર્ગનું દર્શન કરાવતું આ ચિંતન-વિવેચન ખરેખર સાધકની આંખ ઉઘાડી દેવા સમર્થ છે, એટલું જ નહિ, પણ એ આંખમાં અમૃતાંજન કરીને સ્પષ્ટ માર્ગ દર્શાવવા પણ એ એટલું જ સમર્થ-સક્ષમ છે.

    • સર્વેં ક્ષણિકમ્

    • અનિત્ય-ભાવનાની આલબેલ પોકારતું ચિંતન રજૂ કરતું આ પુસ્તક આઠ પ્રકરણોમાં વિસ્તૃત છે. સંસારીને જ્યાં નિત્યત્વ નૃત્ય કરતું જણાય છે, ત્યાં સર્વત્ર અનિત્યત્વ કઈ રીતે મુક્તમને તાંડવનૃત્ય કરી રહ્યું છે, એનો હૂબહૂ ચિતાર રજૂ કરતા આ પુસ્તકના પ્રકરણોને અપાયેલા સાર્થક શીર્ષકો પણ પુસ્તક વાચવાની જિજ્ઞાસા જગાડી જાય એવા છેઃ સર્વ ક્ષણિકં, સર્વ વ્યાપી સત્ય, સાધકની ચિંતન યાત્રા, શાસ્ત્રોનો સાદ, ઈતિહાસની ઈમારતમાં, ઐતિહાસિક સત્ય, અનિત્ય ભાવના, સિન્ધુબિન્દુ.

    • જળઃ ઝાંઝવાનાં અને ઝરણાના

    • વાચકોને રસ અને રુચિથી જકડી રાખતી એક કથા- સૃષ્ટિ આ પુસ્તકના પાને અવતરી છે કે, એનું રસપાન કરતા કરતા વાચક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના એ કાળમાં વિચરવા માંડે અને શ્રી ધર્મદાસગણિ જેવી વિરલ વિભૂતિનાં ચરણે જઈને બેઠેલી પોતાની જાતને કલ્પી શકે. રણસિંહ અને કમલવતીના મુખ્ય બે પાત્રોની આસપાસ અનેક પાત્રો પ્રદક્ષિણા દેતા હોય, એવું દશ્ય આ વાર્તા – વાચનની પળે નજર સમક્ષ તરવર્યા વિના નહિ જ રહે, એવો વિશ્વાસ છે. તેમજ વાર્તા – સૃષ્ટિ જેમ જેમ આગળ વધતી જશે, એમ ઝાંઝવા અને ઝરણાંના જળ વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા પણ ઉપસતી જશે. સિદ્ધહસ્ત સાહિત્યકાર પૂજ્યશ્રીએ ઘણા પૂર્વે આ કથા કંડારી હતી, છતાં એમાં કલમ દ્વારા કથાચિત્ર ઉપસાવવાની જે હથોટી જોવા મળે છે, એ વર્ષો પૂર્વે પણ એઓશ્રીની કલમને સ્વયં વરેલી સિદ્ધહસ્તતાનો સુપેરે સાક્ષાત્કાર કરાવી જવા સમર્થ છે.

    • પાટલિપુત્રની ઐતિહાસિક પ્રદક્ષિણા

    • મુંબઈ-અમદાવાદ-કલકત્તા-મદ્રાસ-બેંગ્લોર જેવી મેગાસિટીઓનાં નામ સાંભળતાની સાથે જ જેમ વિશાળ નગરોનું ચિત્ર આપણી આંખ સામે ઉપસી આવે છે. આથીય વિરાટાતિવિરાટ નગરીઓની કલ્પનાનું ચિત્ર પૂર્વકાળમાં જે નગરોનું નામ સાંભળતાં જ આંખ અને અંતર સમક્ષ ઉપસી આવતું હતું. એવાં અનેકાનેક નગરોમાંનું જ એક મહાનગર હતું. પાટલિપુત્ર ! બિહાર રાજ્યમાં ‘પટના’ તરીકે આજે ઓળખાતું શહેર યુગયુગ પૂર્વે જ્યારે નિર્મિત થયું, ત્યારે એનું પહેલું નામ પાટલિપુત્ર હતું. આ નામ કઈ રીતે પડ્યું ? પાટલિપુત્રનું નવનિર્માણ કેમ અને ક્યા કારણે થવા પામ્યું? આવી આવી અનેકવિધ જિજ્ઞાસાઓ માટે સંતોષપ્રદ જવાબ બની જવાની સમર્થતા ધરાવતી આ સળંગ કથા ‘પાટલિપુત્રની ઐતિહાસિક પ્રદક્ષિણા’ના વાર્તા વિહાર દરમિયાન આચાર્યદેવ અન્નિકા પુત્ર, ઉદાયીની હત્યાથી સર્જાનારી ધર્મ – નિંદા ટાળવા ધર્મરત્ન નામના આચાર્યદેવે કરેલું આત્મ વિલોપન, નંદ વંશના કેટલાંક રાજવીઓ, મહા મંત્રીશ્વર કલ્પક તથા શકટાલની રોમાંચક ઘટનાઓ, સ્થૂલભદ્ર-કોશા વેશ્યાના ભોગી – ત્યાગી જીવનની અલપ ઝલપ ઝાંખી તથા આગમ વાચનાની રોમહર્ષક વિગતોમાં પ્રતિબિંબિત થતી અનેક વિભૂતિઓના દર્શન પૂર્વક પાટલિપુત્રનું પુણ્યદર્શન પામવા વાચકો બડભાગી બનશે.

    • ભગવાન મહાવીર જીવનયાત્રા

    • ચરમ તીર્થપતિ શાસનનાયક પ્રભુ વર્ધમાન સ્વામીના 27/27 ભવોના કાળખંડમાં વિસ્તૃત જીવનયાત્રાનું બારેક પ્રકરણ દ્વારા ખૂબ જ રોમાંચક શૈલીએ સંક્ષેપમાં રાષ્ટ્રભાષા હિન્દીમાં સચિત્ર આલેખન ખૂબ જ રસપ્રદ અનેક રીતે પ્રકાશિત થયું છે. નયસારથી શરૂ થઈને ક્રમશઃ વિકાસ સાધતા સાધતા પ્રભુ ઘણા ઉતાર – ચઢાવ પાર કરીને જ્યારે પૂર્ણ સ્વરૂપે પરમાત્મા બને છે, ત્યારે કૈવલ્યલક્ષી સ્વયંસરા થઈને સામે પગલે આવે છે. ટૂંકા વિસ્તારમાં આવા વિરાટ જીવનનું પ્રકાશન હિન્દી ભાષી વાચકો માટે અતિ ઉપકારક બની જશે.

    • મહામંત્ર મહિમા

    • જૈન માત્ર માટે પરમ આરાધ્ય અને ઉપાસ્ય તત્વ તરીકે ઘરઘરમાં ગવાતાં અને આબાલ ગોપાલને કંઠસ્થ એવા નમસ્કાર મહામંત્ર પ્રત્યેની અણનમ નિષ્ઠાની પ્રતિષ્ઠા કરાવતી જે સત્ય ઘટનાઓ નજીકના ભૂતકાળમાં સર્જાવા પામી છે, તેનું હૃદયગમ હિન્દી આલેખન નવકારથી ભવપારના નાદને ગુંજતો કરવા સમર્થ બન્યા વિના નહિ જ રહે. જૈન શાસનને પામેલ દરેક પુણ્યાત્મા જન્મે ત્યારથી નવકાર મંત્રના શ્રવણ-સ્મરણ માટે સદ્ભાગી બનતો હોય છે. પણ એ નવકારના પ્રભાવ અને સ્વભાવને જ્યાં સુધી એ પામી શકતો નથી. ત્યાં સુધી તેના સાચા ફળ સુધી પહોંચી શકતો નથી. આવી ફળશ્રુતિ પામવા આ પુસ્તક ઘર-ઘરમાં વસાવવા યોગ્ય છે.

    • યાકિની મહત્તરા ધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિજી

    • 1444 ગ્રંથોના રચયિતા સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના કવનની સાથે સાથે જીવન પણ અજબ ગજબનું હતું. મહા અભિમાની હરિભદ્ર પુરોહિતમાંથી ધર્માચાર્ય પદ સુધી પહોંચાયેલા આ મહાપુરૂષને ધર્મનું પ્રથમ પગથિયું ચડાવવામાં મહત્તરા યાકિની નિમિત્ત બન્યા હોવાથી તેઓના ધર્મપુત્ર તરીકે આમાં શ્રી હરિભદ્રસૂરિ પ્રસિદ્ધિને પામ્યા હતા. હરિભદ્રાચાર્યના ચરિત્ર ઉપરાંત તેઓના સાહિત્યનો અનોખી રીતે પરિચય કરાવતું વિશિષ્ટ શ્રી મુક્તિશ્રમણવિજયજી મહારાજ દ્વારા સંકલિત થવા પામેલ છે. જેથી પુસ્તકની ઉપાદેયતા વધી જવા પામી છે. આ ત્રણેય પ્રકાશનો હિન્દી ભાષી વાચકો માટે ગોળનાગાડા જેવા છે.

    • તેજોવલય

    • તેજનાં વલય સર્જતી અણગણ વિભૂતોઓથી જાજ્જવવલ્યમાન જિનશાસનનું વિશાળ ગગનાંગણ પ્રેરણાના પ્રકાશની મુક્ત હાથે દિન-રાત પ્રભાવના કરતું જ રહ્યું છે. અનાદિ- અનંતકાલીન અંધકારની સામે અનાદિ અનંતકાળ સુધી આ ‘તેજોવલય’ ઝઝૂમતું જ રહેવાનું છે. અંધકારનું એક છત્રી સામ્રાજ્ય ક્યારેય સર્જાયું નથી કે સર્જાનાર નથી, એ પ્રભાવ ‘તેજોવલય’ સમા વ્યક્તિત્વ–કૃતિત્વ ધરાવતી એ વિભૂતિઓનો છે. આવી બારેક વિભૂતિઓના પ્રસ્તુત પુસ્તકમાં દર્શન પામીને અજવાળાની જ આરતી ઉતારતાં રહેવા સંકલ્પબદ્ધ બનીએ.

    • કલ્યાણ સંદેશ

    • પ્રાકૃત-સંસ્કૃત ભાષાના સુભાષિતોના – સર્જક-ઋષિ –મુનિઓ કે ગ્રંથકારો પાસે માત્ર અનુભવોનો વિશાળ ભંડાર જ હતો, એમ ન કહેવાય. અનુભવોના અખૂટ ભંડાર ઉપરાંત એને રજૂઆત કરવાની કળા, રજૂઆતના સમર્થન માટે સહાયક ઉપમાઓ અને દ્દષ્ટાંતોનો એમની પાસે રહેલો ભરપૂર – ભંડાર ભલભલાને ચક્તિ કરવા સમર્થ હતો. જેની પ્રતીતિ આજે વર્ષો પછી પણ એ સુભોષિતો કરાવી જ રહ્યા છે. આવા સુભોષિતોના સંગ્રહમાંથી ‘કલ્યાણ’ નો સંદેશ સુણાવતા 26 સુભોષિતો આમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જેનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરીએ.

    • કલ્યાણ કામના

    • સંસ્કૃત સુભાષિતો અક્ષરના આંગણે અનુપ્રાશોના આસોપાલવ બાંધવામાં જ માનતાં નથી, શબ્દોનાં સાથિયા રચવામાં જ એ સુભોષિતો સાર્થકતા સમજતાં નથી, આની સાથે સાથે જીવન યાત્રામાં ઉપયોગી થાય, એવું પ્રેરણા પાથેય પીરસવું, એ જ સુભાષિતોનો મુખ્ય મુદ્રાલેખ હોય છે. આવા સુભાષિતોના સાગરમાંથી ‘કલ્યાણ’ની કામના વ્યકત કરતા 26 સુભાષિતો આમાં ગ્રંથસ્થ બન્યા છે. જેનો ભાવ કંઠસ્થ અને હૃદયસ્થ બનાવવા જેવો છે.

    • કલ્યાણ ભાવના

    • આ દુનિયાના દેદારને પરખવો જરાય આસાન નથી. ઘણીવાર જે દેખાય છે. એનાં કરતા હકીકત જુદી જ હોય છે. ઘણી બધી બાબતોમાં હકીકતનું દર્શન જ થતું હોતું નથી, જે દેખાતું હોય છે, એ વળી જુદુ જ હોય છે. એથી સત્યનો સાક્ષાત્કાર પામવા સંસ્કૃત-સુભાષિતોનો સહારો લેવો અનિવાર્ય બની જતો હોય છે. આવી સમર્થતા ધરાવતાં સુભાષિતોના સંચયમાંથી કલ્યાણની ભાવનાથી પ્રભાવના કરતા 25 સુભાષિતો ‘કલ્યાણ ભાવના’ આવા યથાર્થ નામે આમાં રજૂ થઈ રહ્યા છે. જેને વાંચીએ, વિચારીએ અને વાગોળીએ.

    • જૈનત્વનું જાગરણ

    • ઘંટનાદ અને જાગરણ વચ્ચે સંબંધ છે, ઘંટનાદ સૂતેલાને જગાડી શકવા સમર્થ છે, તો જાગેલાને સતત જાગૃત રાખવાનું કામ પણ ઘંટનાદ દ્વારા જ શક્ય બને છે. મોજ શોખ અને વૈભવ – વિલાસભર્યા વાતાવરણે આજે એવી મહદોશી સરજી દીધી છે કે, જૈનત્વ આજે ઝોકે ચડ્યું છે. જૈનત્વનાં જાગરણ કાજે જોરશોરથી ઘંટનાદ થાય, એ આજની તાતી આવશ્યકતા છે. થોડા ઘણા અંશે એની પૂર્તિનો પ્રયાસ એટલે જ પ્રસ્તુત પુસ્તક ! આજથી થોડા વર્ષો પૂર્વે જૈનત્વ કેટલું બધું જાગૃત હતું, આધુનિક કેળવણી અને શોખ – સગવડ મોજ – મજાના સાધનોએ જાગૃતિ પર કેટલું બધું આક્રમણ કર્યું અને એ આક્રમણનો સામનો કરીને જૈનત્વનું જાગરણ કરવા આજે હવે શું જોઈએ? આ અંગેનું આંગળી-ચીંધણું આ પ્રસ્તુત પુસ્તક દ્વારા કરાવવામાં આવ્યું છે.

    • ગરવી ગાથા ગિરિરાજની

    • જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધિપદ પામ્યા, એવા પ્રખ્યાત ગિરિરાજના ગુણગાન ગ્રંથોના પાને પાને ઠેક ઠેકાણે વાંચવા મળે છે.આવા પવિત્ર તીર્થાધિરાજ પ્રત્યે ભક્તિ - બહુમાન- પ્રીતિની અભિવૃદ્ધિ થાય, તીર્થ સંબંધિત ઈતિહાસ જાણીને ભાવિ પેઢી પોતાના કર્તવ્યને અદા કરવા સજ્જ બને, તેવા શુભ – આશયથી પૂજ્યશ્રીની રસ – ઝરતી કલમે કંડારાયેલા ગિરિરાજના ગૌરવપ્રદ કથા પ્રસંગો વાંચતા સિદ્ધગિરિ પ્રત્યેની ભક્તિ અનેક ગણી વૃદ્ધિગત બનશે. શત્રુંજ્યની યાત્રા કરનાર પ્રત્યેક જૈને એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ એમ ચોક્કસ કહેવું પડે તેવું આ પ્રકાશન છે.

    • અમર ઉપાધ્યાયજી

    • લઘુ હરિભદ્ર અને ન્યાયાચાર્ય જેવા વિરલ વિશેષણોથી નવાજાતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરનું જીવન સુજસવેલી ભાસના આધારે આમાં ખૂબ જ રસાળ શૈલીમાં આલેખિત થયું છે. જ્યારે બીજા ખંડમાં રાસ સિવાયની કેઈ ઘટનાઓને સ્થાન અપાયું છે. સમાધિ અને સમતા શતકમાંથી વીણેલા મોતી જેવા શ્લોકોનું વિવેચન યશોવાણી તરીકે રજૂ થયેલ છે, અને છેલ્લા પ્રકરણ તરીકે જીવન ઉપરાંત કવનનું વિવિધ દ્દષ્ટિકોણથી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ગુજ. ઉપરાંત હિન્દી ભાષામાં પણ થયેલું પ્રકાશન ઘણા બધા માટે ઉપકારક સાબિત થયા વિના નહિ રહે.

    • તાજો ઈતિહાસ તાજી સુવાસ

    • નામ પ્રમાણે જ ગુણ ધરાવતા આ પ્રકાશનમાં છેલ્લા સો વરસની આસપાસ જ બનવા પામેલ ઘટનાઓથી એવી ખૂબી પૂર્વક વર્ણવાઈ છે કે વાચકને વાંચન વેળાએ નજર સમક્ષ એ એ ઘટનાનું કલ્પના ચિત્ર ઉપસ્થિત થયા વિના રહે નહિ. ધર્મના ધબકારથી ધબકતી ભારતીય પ્રજામાં સંસ્કૃતિ તરફનો સદ્ભાવ તેમજ સમપર્ણની સદ્ભાવના આજે થોડા ઘણા અંશે જે જોવા મળી રહી છે. એની પ્રતીતિ કરાવતી તાજા ઈતિહાસની તાજી સુવાસ સૌ કોઈના જીવનને તરબતર બનાવ્યા વિના રહેશે નહિ એ નિઃશંક છે.

    • ઝળકતી ઝિંદાદિલી

    • જૈનત્વ- મહાજનત્વ અને આર્યત્વની ઝળહળતી ઝલક દર્શાવતા પૂર્વકાળમાં થયેલ વ્યક્તિ-શક્તિઓનો પરિચય કરાવતી અઢાર જેટલી સત્ય ઘટનાઓ આમાં શબ્દસ્થ બની છે. આત્મારામજી મ.ની અમીનજર, અમ્માપિયરો સભી શ્રાવિકા, અણગારની અગ્નિપરીક્ષા, અતિથિ આવકાર જેવા પ્રસંગો તો પહેલ વહેલી વખત જાણવા મળે તેવા હોવાથી આ પ્રકાશન સવિશેષ આદરણીય બનવા સમર્થ છે.

    • શંખેશ્વર તીર્થ અતીતથી આજ (ગુજરાતી)

    • 18 કોટાકોટી સાગરોપમ પૂર્વે ગત ચોવીસીના નવમા તીર્થંકર દામોદર સ્વામીના સદુપદેશથી અષાઢી શ્રાવક દ્વારા નિર્માણ પામેલ શંખેશ્વર પ્રભુજી છેલ્લા 84 હજાર વરસથી દેશની જે ધરાને શોભાવી રહ્યા છે. તેનો આમૂલચૂલ ઈતિહાસ જાણવા માટે આ પુસ્તક અવશ્ય પઠનીય છે. મૂર્તિ નિર્માણથી આજ સુધીનો ઘટનાક્રમ પ્રભુ પાર્શ્વના 10 ભવની ઝલક, પોષદશમી મહિમા-વિધિ અને પાર્શ્વ-પદ્માવતી કથાગીત વગેરે વિધ સાહિત્ય સામગ્રીથી સમૃદ્ધ સચિત્ર આ પ્રકાશન પ્રભુ પાર્શ્વ પ્રત્યે – ભક્તિમાં વર્ધક બને એવું છે.

    • અહિંસાની અમરવેલ

    • જે ભારત વિશ્વભરમાં સંસ્કૃતિ અને સંસ્કારના સંદેશવાહક તરીકે જાણીતું અને માનીતું રહ્યું હતું. એ ‘ઈન્ડિયા’ના નામે આજે લોહીની લક્ષ્મી લૂંટી લાવનારના રૂપમાં કુખ્યાત બનવા તરફ આંધળી દોટ મૂકી રહ્યું હોય, એમ જણાય છે, કારણકે સત્તાનું સિંહાસન એવા નેતૃત્વે પચાવી પાડ્યું છે કે, જે નેતૃત્વને કરુણાનો ‘ક’ ઘૂંટવામાં નહિ, કતલખાનાની ‘ક’ ઘૂંટવામાં જ વધુ રસ અને રુચિ હોય ! આવા વ્યાપક વિપરીત વાતાવરણમાં ‘અહિંસાની અમરવેલ’ નું લેખન – પ્રકાશન ભારતીય પ્રજાની આંખ સામે અહિંસાના આરાધન કાજે મરી ફીટનારા પોતાના એ પૂર્વજોના પ્રસંગચિત્રો પુનઃ તાજા કરવામાં અતિ ઉપકારક બની જશે. કેમકે નજીકના જ ભૂતકાળ સાથે સંબંધ ધરાવતી ઘટનાઓ આમાં મુખ્યત્વે આલેખાઈ છે.

    • શંખેશ્વર તીર્થ અતીતથી આજ (હિન્દી)

    • 18 કોટાકોટી સાગરોપમ પૂર્વે ગત ચોવીસીના નવમા તીર્થંકર દામોદર સ્વામીના સદુપદેશથી અષાઢી શ્રાવક દ્વારા નિર્માણ પામેલ શંખેશ્વર પ્રભુજી છેલ્લા 84 હજાર વરસથી દેશની જે ધરાને શોભાવી રહ્યા છે. તેનો આમૂલચૂલ ઈતિહાસ જાણવા માટે આ પુસ્તક અવશ્ય પઠનીય છે. મૂર્તિ નિર્માણથી આજ સુધીનો ઘટનાક્રમ પ્રભુ પાર્શ્વના 10 ભવની ઝલક, પોષદશમી મહિમા-વિધિ અને પાર્શ્વ-પદ્માવતી કથાગીત વગેરે વિધ સાહિત્ય સામગ્રીથી સમૃદ્ધ સચિત્ર આ પ્રકાશન પ્રભુ પાર્શ્વ પ્રત્યે – ભક્તિમાં વર્ધક બને એવું છે.

    • મહિમાઃ મંત્રાધિરાજનો

    • નવકાર મહામંત્રનો મહિમા દિગ્દિગંત ગુંજતો થાય, તેમજ નમસ્કાર એ જ ચમત્કાર આવી નવકારનિષ્ઠાનું વ્યાપક સ્તરે જાગરણ થવા પામે. પ્રભુ ચરણે એકાદ ફળ-ફૂલ સમર્પિત કરીને બદલામાં બગીચો મેળવવાનો મનોરથ સેવનારાઓનો ફાલ આજે જ્યારે ફાલી ફૂલી રહ્યો છે, ત્યારે બગીચો સમર્પિત કરીને ય ફળ-ફૂલની આકાંક્ષા વિનાના આશંસા રહિત ધર્મારાધકોના ફાલથી મંહામંત્રારાધકોનું ઉપવન વધુ ને વધુ મહેકી ઉઠે. માત્ર ચમત્કાર ત્યાં જ નમસ્કારની મનોવૃત્તિમાંથી પાછા ફરીને નવકારના શુદ્ધ આશયપૂર્વકનું રટણ-સ્મરણ સહુમાં વિકસ્વર બને એવી સમજ આપતું આ પ્રકાશન નમસ્કાર નિષ્ઠા-પ્રતિષ્ઠા કરવામાં ધારણાતીત સફળતા અવશ્ય પામશે.

    • આબુતીર્થોદ્વારક મંત્રીશ્વર વિમલ

    • આબુતીર્થોદ્વારક મંત્રીશ્વર આમાં 26 પ્રકરણોના વિસ્તારપૂર્વક ગૂર્જરરાષ્ટ્રના ઘડવૈયા વનરાજ ચાવડાથી આરંભીને મંત્રીશ્વર વિમલ સુધીની પરંપરાની વિસ્તૃત જીવન ગાથા આલેખાઈ છે. આબુતીર્થોદ્ધાર અંગેની વિગતો વાચતા હૈયું રણઝણી ઉઠઅયા વિના નહિ જ રહે. આ રીતે સળંગ જીવન કથા રૂપે ‘મંત્રીશ્વર વિમલ’ના દર્શન મેળવવા આ પુસ્તક વાચવં જ રહ્યું. 500 વર્ષ બાદ આબુતીર્થમાં છેલ્લો પ્રતિષ્ઠા-પ્રસંગ પૂ.આચાર્યદેવ શ્રી શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના પુણ્ય પ્રભાવક સામ્રાજ્ય અને સાંનિધ્યમાં ઉજવાયો, એની ઝલક પરિશિષ્ટમાં એ રીતે પ્રતિબિંબત થવા પામી છે કે, જે વાંચતા વાંચતા હૈયું હર્ષવિભોર બની ઉઠે. આબુની કલાકોતરણી દર્શનીય છે, એ જ રીતે અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે, આબુની ઓળખાણ કરાવતા આ પુસ્તકનું શબ્દશિલ્પ પણ દર્શનીય છે.

    • ગૌરવગાથા ગિરનારની

    • ગિરનાર સાથે સંકળાયેલા 15 ઐતિહાસિક પ્રસંગો વર્ણવાયા છે. પ્રથમ વખત જ નવ્ય અને રમ્ય શૈલીમાં શબ્દાંકિત ઐતિહાસિક પ્રંસગોનું વાચન વાચકને કોઈ અનેરી અને ગિરનારની ગેબી-ગુફાઓ સમા ઈતિહાસની સફરે લઈ જશે. ભૂતકાલીન ગિરનારની મંદિર-સમૃદ્ધિ તો કલ્પી ન શકાય એવી હતી, પણ આજના ગિરનારના શિખરો પર પણ જિનમંદિરોની જે શિલ્પસમૃદ્ધિ જોવા મળે છે. એ પણ ઓછી આશ્ચર્યકારી નથી, આવો અહોભાવ 130 થી 167 સુધીના પૃષ્ઠોમાં સંકલિત ‘ગૌરવવંતો ગિરનાર અને જિનાલયો’ આ વિભાગના વાંચન દ્વારા જાગ્યા વિના નહિ રહે.

    • પુણ્યે જય પાપે ક્ષય

    • દાનવીરોનો જયજયકાર જગવતી લલિતાંગકમારની જીવન-કથા પુણ્યે જય પાપે ક્ષયમાં અત્યંત રસભરી શૈલીમાં શબ્દશિલ્પિત બની છે. 7 પ્રકરણોમાં વિસ્તૃત આ વાર્તા વાચતા ક્યાંક ‘પાપનો જયકાર અને પુણ્યની કારમી હાર’ થવાનો આભાસ-અહેસાસ થતો જણાય, પણ અંતે તો ‘પુણ્યે જય પાપે ક્ષય’ આ સત્ય જ કઈ રીતે વિજયી નીવડતું હોય છે. એ જાણવા આ સળંગ-કથાના પાત્રો સાથે પ્રવાસ કરવો જ રહ્યો.

    • લેખ મીટે નહીં મેખ લગાવો

    • 9 પ્રકરણોમાં વિસ્તૃત ‘અમરદત્ત-મિત્રાનંદ’ની જીવનકથાઓ એટલે આવી ધ્રુવ પંક્તિ પ્રકરણે દોહરાવતું એક ગીત, શીલધર્મનો મૈત્રીના મહક કે ખુશ્બુદાર હોય છે. અન્યસમીતો કરાવતા શત પાર્શ્વનાથ ચરિત્રમાંથી ચૂંટેલી બે મિત્રોની આ જીવન-યાત્રા જાણવી/માણવી જ રહી.

    • નળ-દમયંતી

    • જુગારના પનારે પડીને જીવનની બાજી હારી જનાર નળરાજવી ને રાનરાન રઝળવા છતાં શીલધર્મની શાન જાળવી જાણકારી સતી દમયંતીની જીવનકથાની રમ્યરજૂઆત થવા પામી છે. બંને વચ્ચે આઠ આઠ ભવોથી વહેતા રહેલી પ્રીતિ પ્રવાહથી પરિચિત બનવા આ જીવન-કથાનું રસપાન કરવું જ રહ્યું.

    • સુખદુઃખના ઘટનાથી

    • આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરંગવતી-પદ્મદેવની અદ્ભૂત જીવકથા ના સાર્થ નામે 15 પ્રકરણોના રસભરપૂર વિસ્તારપૂર્વક રજૂ થઈ છે. ‘સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ’ આ જાતની ઘટમાળ કઈ રીતે સતત ઘૂમતી રહેતી હોય છે. એવું સચોટ-દર્શન પામવા આ કથાના પાત્રો-તરંગવતી-પદ્મદેવ-સારસિરકા-ચક્રવાક-ચક્રવાકી-સરદાર ભલ્લપ્રિય, કાળગુફાનો ચોકીદાર નિર્દય આ બધાની મુલાકાત લેવી જ રહી.

    • પ્રત્યેક બુદ્ધ

    • 'સ્વયં ગુરુ-સ્વયં શિષ્ય' જેવું રાજર્ષિઓ કરકંડુ-દ્વિમુખ-નમિરાજ-નગગતિ પ્રત્યેકબુદ્ધોનું વ્યક્તિત્વ અપ્રસિદ્ધપ્રાયઃ છે. નામક પ્રકાશનમાં ચારેયનું જીવન ચાર સળંગ કથાઓ રૂપે મુદ્રિત થવા પામ્યું છે. કરકંડુનો જીવન વિસ્તાર 11 પ્રકરણોમાં, દ્વિમુખનો 3 પ્રકરણોમાં, નમિરાજનો 10 પ્રકરણોમાં, દ્વિમુખનો 3 પ્રકરણોમાં, નમિરાજનો 10 પ્રકરણોમાં, દ્વિમુખનો 3 પ્રકરણોમાં, નમિરાજનો 10 પ્રકરણોમાં અને નગગતિનો 7 પ્રકરણોમાં વિસ્તૃત છે. ચારે પ્રત્યેક બુદ્ધની જીવનકથા ખૂબજ રસિક અને રોમાંચક છે. પ્રથમવાર જ એક પુસ્તકરૂપે પ્રકાશિત ચાર સળંગ કથાઓ વાચ્યા બાદ વાચકના અંતર સમક્ષ 'પ્રત્યેક બુદ્ધ' શબ્દના શ્રવણે એવું અદ્ભૂત વ્યક્તિત્વ ખડું થઈ જવા પામશે કે, એના રોમારોમ પ્રત્યેક બુદ્ધત્વને લળી લળીને નમ્યા વિના નહિ રહી શકે.